અમદાવાદ : તા.8 જુલાઈ 2022,શુક્રવાર : વડોદરા જિલ્લા પંચાયત હેઠળના મલ્ટી પર્પઝ હેલ્થવર્કસની ડિગ્રીઓ શંકાના દાયરામાં આવતાં સ્થાનિક સત્તાધીશોએ આવા કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી હકાલપટ્ટી કર્યા હતા.તો,કેટલાકને નોકરીમાંથી દૂર કરવા અંગેની નોટિસો આપી હતી.જે અંગેના કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે આવા કર્મચારીઓની અભ્યાસ અંગેની ડિગ્રી વેરીફાય કરવા અને તેની તપાસ કરવા માટે વડોદરા જિલ્લા પંચાયતના સત્તાવાળાઓને મંજૂરી આપી હતી.જો કે,હાઇકોર્ટે જે કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરાયા છે,તેઓને પરત લેવા તેમ જ જેઓ નોકરીમાં ચાલુ છે અને જેઓને નોટિસ અપાયેલી છે તે સહિતના તમામને સાંભળી તેમની ડિગ્રી વેરીફાય કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવા વડોદરા જિલ્લા પંચાયતને હુકમ કર્યો છે.સંબંધિત તમામ કર્મીઓને નોકરીમાં પરત લઇ તેઓને સાંભળીને કાયદાનુસાર નર્ણય લેવા નિર્દેશ
વડોદરા જિલ્લા પંચાયત હેઠળના કેટલાક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કસની હકાલપટ્ટીના કેસમાં જિલ્લા પંચાયત તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે,મલ્ટીપર્પઝ હેલ્થ વર્કસના કેટલાક કિસ્સાઓમાં તેમના ડિગ્રી સર્ટિફિકેટને લઇ શંકા જતાં વડોદરા જિલ્લા પંચાયત સત્તાધીશોએ હાથ ધરેલી તપાસમાં વિનાયક મીશન યુનિ,રાજસ્થાનની ઓપીજેએસ યુનિ સહિતની પાંચેક યુનિવર્સિટીઓ શંકાના દાયરામાં આવી હતી.જે કિસ્સામાં આવા કર્મચારીઓના ડિગ્રી સર્ટિફિકેટ બોગસ માલૂમ પડયા તેઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.જયારે કેટલાકને નોટિસ જારી કરી તેઓને પણ નોકરીમાંથી દૂર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
વડોદરા જિલ્લા પંચાયત તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે,આ કેસમાં કર્મચારીઓ તરફથી ડિગ્રી વેરીફાયની કે તપાસ કામગીરીમાં સાથ સહકાર અપાતો નથી કે તેઓએ જે યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કર્યા છે તે યુનિવર્સિટીઓ તરફથી પણ યોગ્ય સહકાર મળતો નથી.એટલે સુધી કે,આવા કર્મચારીઓ તેઓ જે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે કે નહી તેના પણ આધારપુરાવા રજૂ કરી શકયા નથી.