અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતાં ૧૫ શ્રદ્ધાળુઓનાં મૃત્યુ

121

૪૦થી વધારે શ્રદ્ધાળુઓ મિસિંગ,રેસ્ક્યુ ઑપરેશનમાં ભૌગોલિક સ્થિતિ અને ઊંચાઈ પડકારરૂપ જમ્મુ-કશ્મીરમાં ગઈ કાલે સાંજે લગભગ સાડાપાંચ વાગ્યે અમરનાથની પવિત્ર ગુફાની પાસે વાદળ ફાટ્યું હતું.જેમાં ૧૫ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૪૦થી વધુ લોકો મિસિંગ છે.એનડીઆરએફ(નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ),એસડીઆરએફ (સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)અને આઇટીબીપી(ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ)ની ટીમ્સ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.ગુફા પાસે ફસાયેલા યાત્રાળુઓને પંચતરણી લઈ જવામાં આવી રહ્યા છે.

વાદળ ફાટવાના કારણે ટેન્ટ્સ પ્રવાહમાં વહી ગયા હતા.જેના પછી શ્રદ્ધાળુઓમાં ભય વ્યાપી ગયો હતો.જાણકારી અનુસાર બાલટાલના માર્ગ પર પણ આઇટીબીપી અને એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી હતી,ત્યાં હાજર રહેલા લોકોને સુર​િક્ષત જગ્યાએ લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે.

કેટલાક અહેવાલો અનુસાર ગઈ કાલે લગભગ દસ હજાર લોકો યાત્રામાં સામેલ હતા. રેસ્ક્યુ ઑપરેશનમાં ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ઊંચાઈ પડકારરૂપ રહી હતી.એનડીઆરએફના ડીજી અતુલ કરવાલે કહ્યું હતું કે એનડીઆરએફની એક ટીમ હંમેશાં પવિત્ર ગુફાની પાસે તહેનાત હોય છે.એ ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી હતી.બીજી ટીમોને પણ તરત જ મોકલવામાં આવી હતી.”અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ ફાટવાથી અત્યંત વ્યથિત છું.શોકાતુર પરિવારો પ્રત્યે સહાનુભૂતિ.રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”નરેન્દ્ર મોદી,વડા પ્રધાન

Share Now