સુધરાઈએ દુકાનોનાં નામનાં પાટિયાં મરાઠીમાં લગાવવાની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી

127

મુંબઈ : સુધરાઈએ દુકાનોનાં નામનાં પાટિયાં પર મરાઠીમાં નામ લખેલું હોવું જ જોઈએ એ નિયમની અમલબજાવણી માટે ૩૦ જૂન સુધીનો સમય મુંબઈના દુકાનદારોને આપ્યો હતો.જોકે એ પછી આ સંદર્ભે વેપારીઓનાં વિવિધ મંડળો દ્વારા એ મુદત લંબાવી આપવામાં આવે એ માટે રજૂઆત કરાઈ હતી.હાલમાં જ મુંબઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આપેલી દોરવણી હેઠળ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર આશિષ શર્માના અધ્યક્ષપદ હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.એમાં વેપારીઓએ મુદત લંબાવી આપવાની વિનંતી કરતાં હવે એ મુદત ત્રણ મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે.

નિયમ અનુસાર દુકાનના નામના પાટિયા પર અન્ય કોઈ પણ ભાષા સાથે દુકાનનું નામ મરાઠીમાં પણ લખેલું હોવું જ જોઈએ.આ ઉપરાંત એના અક્ષરો બીજી ભાષાના અક્ષરો જેટલા અથવા એનાથી મોટા હોવા જોઈએ,નાના અક્ષર ન ચાલે એ મુજબની કાયદામાં જોગવાઈ છે.આ પહેલાં પણ વેપારીઓએ સુધરાઈને ૬ મહિના મુદત લંબાવી આપવા માટે અરજી કરી હતી.એ અરજીમાં તેમણે કહ્યું હતું કે‘મુંબઈમાં અંદાજે પાંચ લાખ દુકાનો છે.મરાઠીમાં નામ લખવા માટે એટલા માણસો મળતા નથી.

વળી વરસાદમાં એ કામ કરવું મુશ્કેલ છે.એ સિવાય કોરોનાને કારણે ધંધા પર પણ માઠી અસર થઈ છે એટલે મરાઠીમાં નામ લખવાની મુદત ૬ મહિના લંબાવી આપવામાં આવે.’જોકે એ અરજી સુધરાઈએ ફગાવી દેતાં વેપારીઓના અસોસિએશન ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશને એ માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે આ નિયમમાં બદલાવ લાવવો જોઈએ.એટલું જ નહીં, જ્યાં સુધી એની સુનાવણી ન થાય ત્યાં સુધી આ સંદર્ભે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી ન કરે એવો કોર્ટ રાજ્ય સરકારને આદેશ આપે એવી માગણી કરી હતી.

સુધરાઈએ હવે ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદત લંબાવી આપ્યા બાદ ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે આ વિશે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘સુધરાઈએ આ સારું કર્યું.ઑલરેડી અમે આ સંદર્ભે એને લેટર આપ્યો હતો અને એ પછી સુપ્રીમ કોર્ટમાં જઈને નિયમમાં બદલાવ લાવવાની માગ કરી છે.જોકે એ અરજીની સુનાવણી હજી ચાલુ નથી થઈ.હાઈ કોર્ટે પણ‘આહાર’દ્વારા કરાયેલી આ મુજબની અરજીમાં સુધરાઈને હાલ કોઈ ઑક્શન ન લેવા જણાવ્યું છે.’

Share Now