મુંબઈ : મુલુંડમાં વર્ધમાનનગરમાં રહેતા જયદીપ પંચાલે શનિવારે સાંજના મમ્મી છાયાબહેનની ચાકુના વાર કરીને હત્યા કરી હતી. એ પછી તેમના શરીર પર ભગવદ્ગીતા રાખી,પોતાનાં કપડાં બદલી,ઘરનો મુખ્ય દરવાજો લૉક કરીને તે આત્મહત્યા કરવા નીકળી પડ્યો હતો.એ દરમ્યાન બીજા માળથી નીચે આવતી વખતે પહેલા માળે રહેતા મિત્ર આર્યએ તેને જોઈને અવાજ આપ્યો હતો.જોકે જયદીપે તેની વાતનો કોઈ જવાબ ન આપતાં ત્યાંથી તે પસાર થઈ ગયો હતો.આ ઘટના પછી આર્યને એક જ વાત સતાવી રહી છે કે જયદીપે આ બધું શા માટે કર્યું હશે?
આસપાસમાં રહેતા પાડોશીઓનું પણ કહેવું છે કે સૌથી સારા પરિવારમાં આ ઘટના શા માટે થઈ અને જયદીપે કયા કારણસર આ પગલું ભર્યું હશે?‘સી’વિંગમાં પહેલા માળે પંચાલ પરિવારની નીચેના ફ્લૅટમાં રહેતાં ૭૨ વર્ષનાં નિર્મલા પાસડે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘પંચાલ પરિવાર અમારા બિલ્ડિંગનો સૌથી સારા પરિવારોમાંનો એક હતો.કોઈ દિવસ તેમના ઘરમાં અમે ઝઘડો થતો નથી જોયો કે પછી બીજી કોઈ જાતની પરેશાની નથી જોઈ.બધી જગ્યાએ પરિવારના ત્રણ સભ્યો સાથે જ જતા હતા અને રહેતા હતા.બુધવારે છાયાબહેન મારા ઘરે પ્રસાદ આપવા આવ્યાં હતાં.’ઘટનાના દિવસની વાત કરતાં તેમણે કહ્યું હતું કે‘તેઓ તેમના ઘરની એક ચાવી મારી પાસે રાખતાં હતાં.
શનિવારે સાંજે ૬ વાગ્યે મને મહેશભાઈનો ફોન આવ્યો હતો.તેમણે જણાવ્યું કે તેમના ઘરે કોઈ ફોન નથી ઉપાતું એટલે એક વાર તમે જઈને જુઓ.એટલે હું તેમના ફ્લૅટની ચાવી લઈને ઉપર ગઈ હતી.ત્યારે બહુ અંધારું હોવાથી મારી દોહિત્રીએ ચાવીથી દરવાજો ખોલ્યો હતો.ત્યારે તેણે જોયું કે ઘરમાં લોહી-લોહી હતું અને છાયાબહેન ઘરના દરવાજા પાસે પડ્યાં હતાં.એ જોઈને તે જોરથી ચીસ પાડીને ત્યાંથી ભાગી હતી.એ પછી મેં પણ એ જોયું હતું.એ સમયે હું પણ ગભરાઈ ગઈ હતી,પણ મેં છાયાબહેન જો જીવતાં હોય તો તેમનો ઇલાજ જલદી થાય એવા હેતુથી બૂમાબૂમ કરી હતી.ત્યાર પછી ભેગા થયેલા લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી અને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી.’જયદીપના મિત્ર આર્ય દાવડાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારી અને જયદીપની મિત્રતા ખૂબ સારી હતી.અમે સ્વામીનારાયણ સભામાં પણ સાથે જતા હતા.અભ્યાસમાં ન સમજાય તો હું તેની હેલ્પ લેતો હતો.’
ઘટનાના દિવસની વાત કરતાં તેણે કહ્યું હતું કે‘એ દિવસે સાંજે હું ફોન પર મારા ફ્લૅટની લૉબીમાં ઊભો રહીને વાત કરી રહ્યો હતો.એ દરમ્યાન ઉપરથી કોઈનો ઝડપથી દાદરા ઊતરવાનો અવાજ આવ્યો હતો.પાછળ ફરીને મેં જોયું તો હાફ પૅન્ટ અને ટી-શર્ટ પહેરીને જયદીપ નીચે ઊતરી રહ્યો હતો.મેં તેને અવાજ આપ્યો હતો,પણ કદાચ આ પહેલી વાર હશે જ્યારે તે મારો અવાજ સાંભળીને ઊભો નહોતો રહ્યો.મેં વિચાર કર્યો કે કોઈ અર્જન્ટ કામ હશે.એ પછી થોડી વારમાં અમને છાયા આન્ટીના ન્યુઝ મળ્યા હતા.એ પછી તમામ વાતો સામે આવી હતી.ત્યારથી મને એક જ વિચાર આવે છે કે કોઈની સાથે અવાજ ઊંચો કરીને વાત ન કરનાર જયદીપે શા માટે આ બધું કર્યું હશે?’