। ન્યૂયોર્ક ।
ચીનના હુબઈ પ્રાંતના વુહાન શહેરથી શરૂ થયેલા કિલર કોરોના વાઇરસે અત્યાર સુધીમાં ૨૨ હજારથી વધુ લોકોનો ભોગ લઈ લીધો છે અને ૧૯૮ દેશોમાં તેની અસર થઈ છે. કોરોના વાઇરસને લઈને હવે ખુલાસો થયો છે કે, વાઇરસની શરૂઆત થઈ ત્યારે ચીને વધુ પારદર્શિતા રાખી હોત તો કોરોનાના અસરને મોટા પ્રમાણમાં ઓછી કરી શકાઈ હોત.
ચીનના વુહાન શહેરમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. એ પછી અત્યાર સુધીમાં પાંચ લાખ લોકો વાઇરસથી સંક્રમિત થયા છે. યુરોપ આ વાઈરસનો ગઢ બની ચૂક્યું છે. એટલું જ નહીં મોસ્ટ પાવરફુલ અમેરિકા પણ કોરોના વાઈરસ સામે લાચાર નજરે પડી રહ્યું છે. અમેરિકી પત્રિકા નેશનલ રિવ્યૂમાં છપાયેલા એક લેખ મુજબ, ચીને કોરોના સામેના જંગ માટે જરૂરી આંકડા દુનિયાથી છુપાવી રાખ્યા હતા. જેના કારણે આ જંગ હવે વધુ મુશ્કેલ બન્યો છે. કોરોના વિશે એવું કહેવાય છે કે, વુહાનનાં જંગલી જાનવરોના બજારમાંથી આ વાઈરસ ફેલાયો છે. ૧ ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે કોરોના વાઈરસનાં લક્ષણ સાથે પહેલો દર્દી સામે આવ્યો હતો. પાંચ દિવસ પછી આ દર્દીની પત્ની પણ કોરોનોના ભરડામાં આવી ગઈ. એ પછી તેને પણ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જે સંખ્યાબંધ લોકોને વાઈરસની અસર થઈ તેવા લોકોની વુહાનના તબીબોએ શોધખોળ કરી. ત્યારે આ વાઈરસ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે એવા સ્પષ્ટ સંકેત મળ્યા.
કોરોના વાઈરસ માણસથી માણસમાં ફેલાય છે એવી જાહેરાત કરનાર ડો.લી વેનલીઆંગને વુહાનના પબ્લિક સિક્યોરિટી બ્યૂરોમાં બોલાવવામાં આવ્યા અને તેમના પર અફવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. એ જ દિવસે હુબઈના પ્રાંતીય સ્વાસ્થ્ય પંચે વુહાનના તમામ નમૂનાઓને નષ્ટ કરી નાખ્યા. વુહાનના હેલ્થ કમિશને આ દિવસે પણ એવું નિવેદન જાહેર કર્યું કે, આ વાઈરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી અને તેમનો કોઈ પણ સ્ટાફ કોરોનાથી સંક્રમિત નથી.
બીજી તરફ, ૬ જાન્યુઆરીએ ન્યૂયોર્ક ટાઈમ્સે એક રિપોર્ટમાં કહ્યું કે, વુહાનમાં ૫૯ જેટલા લોકો ન્યૂમોનિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે. એ પછી ચીને કોરોના વાઈરસ પ્રથમ તબક્કામાં હોવાનું જાહેર કર્યું. ચીને જાહેરાત કરી કે વુહાનમાં જીવિત કે મૃત જાનવરો, જાનવરોના બજારો અને બીમાર લોકોથી લોકો દૂર રહે. ચીને માણસથી વાઈરસ ફેલાતો હોવાની વાત છુપાવી રાખી અને શરૂઆતના તબક્કામાં લોકો પ્રાણીઓથી અંતર જાળવતા રહ્યા અને રોગનો ભોગ બનતા રહ્યા. આખરે આખા વિશ્વમાં આ રોગ ફેલાઈ ગયો અને કોઈને ગંધ પણ ન આવી. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, પોતાના હરીફ દેશોને હંફાવવા માટે ચીને આ વાતને છુપાવી રાખી જેથી વિશ્વમાં મહામારી ફેલાય ત્યારે તે પોતે સામાન્ય સ્થિતિમાં આવી જાય અને તેનું કદ વધી જાય.