બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં નુકસાન થવા પામ્યું છે.બુધવારના રોજ વરસતા વરસાદમાં બે અલગ અલગ ગામોમાં એક પાકા મકાનની દીવાલ તૂટી પડી હતી તો એક કાચું મકાન ધરાશાયી થતાં પરિવારજનોની હાલત કફોડી થઈ ગઈ હતી.હાલ વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરી કરી અસરગ્રસ્ત પરિવારને જરૂરી સહાય કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી દેમાર વરસાદ વરસી રહ્યો છે.સુરત જિલ્લામાં પણ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તાબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ક્યાંક ઘરોમાં પાણી ભરાય જવાથી ઘરવખરીને નુકસાન તો ક્યાંક પશુઓ તણાઇ જતાં રોજીરોટીને નુકસાન પહોંચી રહ્યું છે.આવા સમયે સુરત જિલ્લામાં મહુવા તાલુકાના દેદવાસણ ગામે ગુલાબભાઈ નાથુભાઈ પટેલના પાકા ઘરની દીવાલ તૂટી પડી હતી.જેને લઈને ઘરવખરીને નુકસાન થયું હતું.નસીબજોગ ઘરના સભ્યો સમયસર ઘરની બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.દીવાલ પાડવાથી અંદાજિત 7 હજારનું નુકસાન થયું હોવાનું સરકારી ચોપડે નોંધ કરવામાં આવી છે.
આ ઉપરાંત નજીકના જ ધોળીકુઇ ગામના રહીશ નરેશભાઈ ગમનભાઇ પટેલનું કાચું મકાન ભારે વરસાદને કારણે જમીનદોસ્ત થઈ ગયું હતું.મકાન તૂટવાનો અવાજ આવતા જ તમામ સભ્યો ઘર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી.સંપૂર્ણ ઘર જમીનદોષ થઈ જતાં અંદાજિત 10 હજાર 650 રૂપિયાનું નુકસાન થયું હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.
બે પરિવારો વરસતા વરસાદમાં ઘર વિહોણા થતાં તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યુ હતું. હાલ સર્વે કરી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આ અંગે રિપોર્ટ કરી તેમને સહાય માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.