સુરત : સુરતમાં ગત રવિવારથી ઓરેન્જ અને રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.આ એલર્ટ થી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર આયોજન કરતું હતું તો બીજી તરફ કેટલાક મોજીલા સુરતીઓએ આ એલર્ટને અવગણીને પોતાનું મનોરંજન શોધી કાઢ્યું હતું.રવિવારના દિવસે સુરતના સરથાણા નેચર પાર્ક અને પાલ એક્વેરિયમમાં અનેક મુલાકાતીઓ પહોંચી ગયાં હતા.સુરત મ્યુનિ.ના સરથાણા નેચર પાર્ક,પાલ એક્વેરિયમ અને નવસારી બજાર ગોપી તળાવમાં સાત હજારથી વધુ મુલાકાતીઓ પહોંચી અને મજા માણી આવ્યા હતા.
મોજીલા સુરતીઓ માટે પુર કે કોરોના હોય કે પછી હવામાંથી વરસતી આફત વરસાદ હોય આ તમામ આફતો વચ્ચે પણ સુરતીઓ મનોરંજન છોડતા નથી.રવિવારથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.સુરતમાં એલર્ટના કારણે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો અને રસ્તા પર ખાડા પણ પડ્યા હતા.મોટાભાગના લોકો સુરતમાં વરસાદની સ્થિતિ થી ચિંતિત હતા તો બીજી તરફ બિંદાસ્ત કહેવાતા મોજીલા સુરતીઓ પોતાની મસ્તી મજા માટે ઘર બહાર નીકળી ગયાં છે.
સુરતીઓ રવિવારે સવારે વરસાદ વચ્ચે ભજીયા ની મજા માણવા માટે ડુમસ પહોંચી ગયાં હતા.રવિવારે વરસાદી ઝાંપટા વચ્ચે ડુમસ સાથે સાથે ફરસાણની દુકાનો પર પહોંચી ગયાં હતા.સાથે સાથે સુરતીઓ વરસતા વરસાદમાં સરથાણા નેચર પાર્કમાં પહોંચી ગયાં હતા.રવિવારે વરસતા વરસાદમાં સરથાણા નેચર પાર્કમાં 2848 મુલાકાતીઓ પહોંચ્યા હતા.જેના કારણે સુરત પાલિકાને 82020 આવક થઈ હતી.
આ ઉપરાંત સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલા નવસારી બજારના ગોપી તળાવમાં રવિવારે વરસતા વરસાદમાં પાલ ખાતે આવેલા જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમમાં 1143 મુલાકાતીઓ આવ્યા હતા જેના કારણે પાલિકાને 94000 રૂપિયાની આવક થઈ હતી.સુરતમાં ઓરેન્જ અને રેડ એલર્ટમાં વરસાદ વરસતો હતો અને લોકો ચિંતામાં હતા પરંતુ અનેક લોકો ડુમસ,એક્વેરિયમ,નેચર પાર્ક અને ગોપી તળાવ જેવા હરવા ફરવાના સ્થળોએ પહોંચી ગયાં હતા જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.