અમદાવાદ : તા.15 જુલાઈ 2022,શુક્રવાર : રાજયના નિવૃત્ત મેડિકલ ઓફિસરોના કિસ્સામાં વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ વચ્ચેના સમયગાળા દરમ્યાન નોન-પ્રાઇવેટ પ્રેકટીસીંગ એલાઉન્સ બેઝીક પે તરીકે ગણવા તેમ જ મોંઘવારી ભથ્થુ નક્કી કરવા તેને બેઝીક પેની સાથે ગણતરીમાં લઇ મળવાપાત્ર આનુષંગિક લાભો ત્રણ મહિનામાં ચૂકવી ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો છે.તબીબો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓ મંજૂર રાખતા હાઇકોર્ટે આ હુકમ કર્યો છે.
અરજદાર મેડિકલ ઓફિસરો અને નિવૃત્ત ઓફિસરો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓમાં એડવોકેટ શાર્વિલ પી.મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,રજય સરકારનો ખુદનો પરિપત્ર હોવાછતાં સરકારના સત્તાવાળાઓ દ્વારા વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ના સમયગાળા દરમ્યાન અરજદારોના મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ખોટુ અર્થઘટન કરી તેઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખ્યા છે.પેની વ્યાખ્યામાં નોન પ્રેકટીસીંગ એલાઉન્સ પણ સમાવિષ્ટ જ છે,તેથી મોંઘવારી ભથ્થાની ગણતરી વખતે એનપીએને બેઝીક પેમાં ઉમેરવું જ પડે અને તેના આધારે જ ગણતરી કરવી પડે.
સરકારના ૨૦૧૦ના જીઆર અને ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સના આધારે જોવા જઇએ તો પણ એનપીએને આ ગણતરીમાંથી બાકાત કરાયુ નથી ત્યારે સરકારના સત્તાવાળાઓ દ્વારા મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ચૂક કરી છે,તેથી હાઇકોર્ટે વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ના સમયગાળા દરમ્યાન અરજદારોના કિસ્સામાં નોન-પ્રાઇવેટ પ્રેકટીસીંગ એલાઉન્સ બેઝીક પે તરીકે ગણવા તેમ જ મોંઘવારી ભથ્થુ નક્કી કરવા તેને બેઝીક પેની સાથે ગણતરીમાં લઇ મળવાપાત્ર આનુષંગિક લાભો ચૂકવી આપવાનો હુકમ હાઇકોર્ટે રાજય સરકારને કરવો જોઇએ.