૧૯૮૯ના કેસમાં યાસીન મલિકની અપહરણકર્તા તરીકે ઓળખ થઈ

142

અપહરણના મામલે પહેલી વખત અદાલતમાં રજૂ થઈ રુબિયા સઈદ,આ અલગતાવાદી સહિત અન્ય ત્રણની ઓળખ અપહરણકર્તા તરીકે કરી દેશના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની નાની દીકરી ડૉ. રુબિયા સઈદ ૧૯૮૯ની ૮ ડિસેમ્બરે થયેલા તેના અપહરણના કેસમાં ગઈ કાલે પહેલી વખત ટાડા કોર્ટમાં હાજર થઈ હતી.એ દરમ્યાન તેણે કાશ્મીરી અલગતાવાદી નેતા અને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતા યાસીન મલિક સહિત અન્ય ત્રણની ઓળખ અપહરણ કરનારાઓ તરીકે કરી હતી,જેની જાણકારી જમ્મુમાં સીબીઆઇનાં વકીલ મોનિકા કોહલીએ પત્રકારો સાથેની વાતચીતમાં આપી હતી.

આરોપ છે કે યાસીન મલિકે પોતાના સાથીઓ સાથે મળીને રુબિયા સઈદનું અપહરણ કરાવ્યું હતું.યાસીન મલિક સિવાય આ કેસમાં અલી મોહમ્મદ મીર,મોહમ્મદ જમા મીર,ઇકબાલ અહમદ,જાવેદ અહમદ મીર, મોહમ્મદ રફિક,મંજૂર અહમદ સોફી,વજાહત બશીર, મેહરાજ-ઉદ-દીન શેખ અને શૌકત અહમદ બક્ષી પણ આરોપી છે.રુબિયા સઈદ ગઈ કાલે સવારે લગભગ સાડાદસ વાગ્યે હાઈ કોર્ટ પ્રિમાઇસિસમાં સ્થિત ટાડા કોર્ટમાં હાજર થઈ હતી.રુબિયા પહોંચ્યાં બાદ અદાલતના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને બંધ રૂમમાં કેસની સુનાવણી થઈ હતી.નોંધપાત્ર છે કે રુબિયાને મુક્ત કરવાના બદલામાં આતંકવાદી સંગઠન જેકેએલએફે પોતાના પાંચ આતંકવાદીઓને મુક્ત કરવાની શરત રાખી હતી.અપહરણના ૧૨૨ કલાક બાદ સરકારે પાંચ આતંકવાદીઓને મુક્ત કર્યા હતા,જેના પછી ડૉ.રુબિયાને પણ છોડી દેવામાં આવી હતી.

Share Now