સુરત : કતારગામ વિસ્તારમાં બાઇક થોભાવી બાળાની છેડતી કરી ભાગ્યો હતો ઃ ફુટેજના આધારે કીર્તીકુમાર પુંભડીયાને ઝડપી લેવાયો હતો ત્રણેક વર્ષ પહેલાં કતારગામ વિસ્તારમાં મહોલ્લામાં રમતી બે બાળ સહેલી સાથે અડપલાં કરીને ભાગી ગયેલા યુવાનને પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી એડીશ્નલ સેશન્સ જજ ઉપેન્દ્ર એમ.ભટ્ટે ત્રણ વર્ષની સખ્તકેદ,કુલ 10 હજારનો દંડ ન ભરે તો વધુ ત્રણ મહીનાની સાદી કેદની સજા ફટકારી છે.
મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની 29 વર્ષીય આરોપી કીર્તીકુમાર પરસોત્તમ પુંભડીયા(રે.ગંગોત્રી નગર,સિંગણપોર તરણકુંડ પાસે)ગઈ તા.10-7-2019 ના રોજ પોતાના હીરો હોન્ડા મોટર સાયકલ પરથી ડી.કે.નગર સોસાયટી પાસેથી પસાર થયો હતો.ત્યારે મહોલ્લામાં રમતી 9 વર્ષની બે બાળાને રમતી જોઇને બાઇક અટકાવી બાળાઓની પાછળ જઇ શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. બાળાઓએ પ્રતિકાર કરતા આરોપી ભાગી ગયો હતો.કતારગામ પોલીસે અજાણ્યા સામે પોક્સો એક્ટના ભંગનો ગુનો નોંધી તપાસ કરતા ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી બાદ એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ રજૂ કરેલા કુલ 28 સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપી કીર્તીકુમારને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.