નવી દિલ્હી : તા.16 જુલાઈ 2022,શનિવાર : વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાના માટે વિભિન્ન દળનું સમર્થન મેળવવા માટે ગત તા.15 જુલાઈના રોજ પટના પહોંચ્યા હતા.ત્યરે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે બિહારના મુખ્યમંત્રીએ તેમના અનેક કોલ,મેસેજની અવગણના કરી હોવાની ફરિયાદ કરી હતી.
તેમણે કહ્યું હતું કે,સમર્થન માટે તેઓ દેશભરના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ નીતીશ કુમાર તેમના સાથે ફોન પર વાત કરવા પણ તૈયાર નથી.તેમને એવું લાગી રહ્યું છે કે,નીતીશ કુમાર સામે તેમનું સ્ટેટસ એટલું નીચું છે કે,નીતીશ કુમાર તેમના સાથે વાત કરવાનું પણ અયોગ્ય સમજે છે.તેઓ નીતીશ કુમાર સાથે વાત પણ નથી કરી શક્યા.યશવંત સિંહાના કહેવા પ્રમાણે તેઓ બિહારના છે માટે રાજ્યના સમર્થનના હકદાર છે.બિહારે તો તેમની મદદ કરવી જોઈએ.જે દિવસે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત થઈ તે જ દિવસે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે,દ્રૌપદી મુર્મૂ ઓડિશાના દીકરી છે માટે તેઓ તેમને સમર્થન આપશે.
સિંહાએ કહ્યું હતું કે,’આ બિહાર માટે સારી વાત ગણાશે જો 60 વર્ષના સમયગાળા બાદ બિહારની માટીનો એક દીકરો શીર્ષ પદ પર બિરાજે.એક સમયે તે પદ ડો. રાજેન્દ્ર પ્રસાદ પાસે પણ હતું.મારો જન્મ અહીં થયો,મેં અહીંથી શિક્ષણ મેળવ્યું,પટના વિશ્વવિદ્યાલયમાં ભણાવ્યું તથા બિહાર કેડરના આઈએએસ અધિકારી તરીકે સેવા આપી.અગાઉ જ્યારે પ્રતિભા પાટિલને ઉમેદવાર બનાવાયા ત્યારે શિવસેનાએ પણ તેમના સમર્થનની ઘોષણા કરી હતી.’