સુરત : સુરતના પૂણા વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-300ના આચાર્ય દ્વારા 14 વર્ષીય વિદ્યાર્થીને આચાર્યની ઓફિસમાં જ નિર્વસ્ત્ર કરી હેવાનિયતની હદ વટાવી હતી.જે બાદ આખરે લંપટ આચાર્ય વિરૂદ્ધ વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરવા બદલ પુણા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.
આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા વિદ્યાર્થીને પોતાની ઓફિસમા નિર્વસ્ત્ર કરી તેની સતામણી કરાઈ હતી.એટલુ જ નહિ પણ આચાર્ય ના કહેવાથી અન્ય વિદ્યાર્થીઓએ તેના વિડિયો પણ બનાવ્યા હતા.વિદ્યાર્થીઓને આચાર્યની ઓફિસમાં જ નિર્વસ્ત્ર કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ રીતે વીડિયોમાં દેખાઇ રહ્યું હોવાથી આચાર્ય વિરુદ્ધ કાયદેસરનાં પગલાં ભરવામાં આવતા સમગ્ર શિક્ષણજગતમાં ભારે ચક્ચાર મચી ગઇ હતી.
આ ઘટનાના વિડીઓ સામે આવ્યા બાદ અને વિદ્યાર્થીઓની જાતીય સતામણી થઇ રહી હોવાની બાબત ગંભીર હોવા છતાં પાલિકાએ જે તે સમયે આ પ્રકરણમાં શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ માત્ર આચાર્યની બદલી કરીને સંતોષ માન્યો હતો.જો કે વારંવાર આ મુદ્દે રજૂઆત થયા બાદ આખરે આ પ્રકરણમાં શાળાના આચાર્ય નિશાંત વ્યાસ વિરુદ્ધ યૌન શોષણ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ ગઈ છે.હેવાન આચાર્ય નિશાંત વ્યાસ વિરુદ્ધ સોમવારે રાતે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો.જ્યા આચાર્ય વિરુદ્ધ શાળાના બે વિદ્યાર્થીઓએ પોલીસને નિવેદન આપ્યું હતું.
પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને લાંછન લગાડનારા નિર્લજ્જ આચાર્ય નિશાંત વ્યાસની પાપલીલા વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.શિક્ષણ સમિતિના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરાઇ રહી હોવાનો 10 દિવસ અગાઉ આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હતી.