…અને, ત્યારે એક સામાન્ય કઠિયારા સમક્ષ સ્વયં મહાકાળી પ્રગટ થયા!

254

( લેખક : પરખ ભટ્ટ ) જીવનમાં યોગ્ય મંત્રની પસંદગીનું શું મહત્વ છે, એ સમજાવતી વેળા પરમ ઉપાસક ઓમ સ્વામીએ આ કિસ્સો પોતાના એક પુસ્તકમાં ટાંક્યો છે.આપણે સૌ જાણે-અજાણે કોઈપણ મંત્ર સ્વીકારીને તેનો જાપ કરવા લાગીએ છીએ,પરંતુ મંત્ર પસંદ કરતા પહેલાં શાસ્ત્રોમાં અપાયેલી એક ખાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એ અંગે આપણે સાવ અજાણ છીએ.જેમ કિડની-ટ્રાન્સપ્લાન્ટ કે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં રીસિવરના શરીર સાથે ડોનરનું અંગ મેળ ખાય છે કે નહીં એ ચકાસવું જરૂરી છે, એવી જ રીતે મંત્રજાપ કરતાં પહેલાં સાધકને તેનું ફળ મળશે કે નહીં એ ચકાસી લેવું જરૂરી છે.નહીંતર હજારો જન્મો સુધીની પ્રતિક્ષા કર્યા બાદ કદાચ મંત્રસિદ્ધિ પ્રાપ્ત થાય એ શક્ય છે!

તામસી ઊર્જાના પરમ ઉપાસક એવા એક સિદ્ધ તાંત્રિકે પોતાની આખી જિંદગી મહાકાળીને આહ્વાન આપવામાં પસાર કરી. સ્મશાનતારા,બગલામુખી,ધુમાવતી,છિન્નમસ્તા અને મહાકાળી જેવા શક્તિના પ્રચંડ સ્વરૂપોને જાગૃત કરવા માટે આમ પણ ઘણું ધૈર્ય અને હામ જોઈએ! એ તાંત્રિકે દાયકાઓ સુધી લાગલગાટ મહાકાળીની ઉપાસના કરી, પરંતુ મા પ્રસન્ન નહોતી થઈ રહી.છેવટે, અમાસની કાળમુખી ભેંકાર રાતે તેણે ‘શવ-સાધના’ આરંભી.

કાચીપોચી વ્યક્તિના તો હ્રદયના પાટિયાં જ બેસી જાય એવી આ જટિલ સાધનામાં શબની છાતી ઉપર બેસીને આરાધ્યદેવીના મંત્રોનું ઉચ્ચારણ કરવાનું હોય છે.લાવારિસ કહી શકાય એવી લાશને બળદગાડામાં નાખીને તાંત્રિક દ્વારા સ્મશાન સુધી લાવવામાં આવી. કોઈક અગોચર શક્તિએ આખા શરીરમાંથી લોહી ચૂસી લીધું હોય એવું,સફેદ બિહામણું અને ઠંડાગાર શબ! જકડાઈ ગયેલાં મુખને બળપૂર્વક સહેજ ખોલીને તાંત્રિકે એમાં ઘીનો દીવો પ્રગટાવ્યો અને પોતાની બાકીની તૈયારીઓ આટોપી.

આ બધું બની રહ્યું હતું, ત્યારે એક કઠિયારો સ્મશાનના ઝાડ ઉપર ચઢીને સમગ્ર દ્રશ્ય પોતાની સગી આંખે નિહાળી રહ્યો હતો.લાકડાં કાપવાનું પૂરું કર્યુ, ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હોવાને લીધે તેણે વહેલી સવાર સુધી ઝાડ પર જ આરામ ફરમાવવાનું નક્કી કર્યુ હતું. વળી, ઝૂંપડી પણ એટલી દૂર કે સાંજે ચાલવાનું શરૂ કરે, તો ઓછામાં ઓછા ત્રણેક કલાક પહોંચતા થાય.

શબની સાથે તાંત્રિકવિધિ થતી જોઈને એ બાપડો બહુ જ ગભરાઈ ગયો.પોતાની હાજરીનો ખ્યાલ તાંત્રિકને ન આવે એ માટે તેણે પોતાના શ્વાસોચ્છવાસ પર પણ નિયંત્રણ મેળવી લીધું હતું.શબના મુખમાં દીવો મૂક્યો બાદ તાંત્રિક તદ્દન નિર્વસ્ત્ર થઈને મડદાંની છાતી પર બેસી ગયો. બંને હાથની હથેળી વડે કેટલીક વિશિષ્ટ હસ્તમુદ્રા ધારણ કર્યા બાદ ન્યાસવિધિનો આરંભ થયો. ૪૦-૪૫ મિનિટ બાદ મહાકાળીને આહ્વાન આપવા માટેના મુખ્ય મંત્રોચ્ચાર તેણે તીવ્રતા સાથે શરૂ કર્યા.

અમાસની કાળીડિબાંગ રાત્રિ,આજુબાજુમાંથી આવતાં નિશાચરોના ભયાનક અવાજ, વૃક્ષના જીર્ણ થઈ ગયેલાં પાંદડાનો ફરફર સ્વર અને શિયાળાની શીતલહેર વચ્ચે આ ભયજનક દ્રશ્ય જોઈને કઠિયારાની હાલત વધુ ખરાબ થઈ ગઈ.શબની આંખોના ડોળા જાણે તેને જ તાકી રહ્યા હોય, એવો આભાસ થઈ રહ્યો હતો. પિશાચી શક્તિની હાજરી ત્યાં સ્પષ્ટપણે અનુભવી શકાતી હતી.

… અચાનક જ, અંધકારમાંથી પ્રગટ થયેલો કાળરાત્રિ સમો ચિત્તો/દીપડો તાંત્રિક પર ત્રાટક્યો. તેના આખા શરીરને ચિત્તાએ ચૂંથી કાઢ્યું! અને ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાનું ભોજન પડતું મૂકીને રહસ્યમય રીતે ઝાડી-ઝાંખરામાં ગાયબ પણ થઈ ગયો! વીજળીની ઝડપે બનેલી આ ઘટના કઠિયારા માટે તો આંચકો હતી. તેને ખબર જ ન પડી કે બે ક્ષણોની અંદર તેની નજર સામે શું બની ગયું! પોતે વર્ષોથી અહીં લાકડું કાપવા આવતો હોવા છતાં આજ સુધી ક્યારે ય ચિત્તાને નહોતો જોયો, તો પછી અત્યારે એ ક્યાંથી પ્રગટ થયો?

મનમાં અનેક શંકા અને સવાલો સાથે તે થોડી વાર પછી ઝાડ પરથી નીચે ઉતર્યો. હળવા પગલે શબ પાસે પહોંચીને જોયું તો તાંત્રિકની આંખોના ડોળા બહાર નીકળી ગયા હતાં. ચિત્તાએ વિકૃત રીતે તેનું મોં ફાડી ખાધું હતું. કીડી-મંકોડા અને સૂક્ષ્મજીવોની જયાફત શરૂ થઈ ચૂકી હતી!

કઠિયારાએ આજુબાજુ નજર કરી. સ્મશાનવત્ શાંતિ! ભૂત રુંએ ભેંકાર! કોણ જાણે તેનામાં અચાનક ક્યાંથી હિંમત આવી અને તે શબની છાતી ઉપર બેસી ગયો! મડદાંના મુખમાં પ્રજ્વલિત દીવો હવે તેના મનમાં ભય પેદા નહોતો કરતો. પોતે વર્ષોથી સાધના કરતો હોય એમ એણે આંખો બંધ કરીને મંત્રજાપ શરૂ કર્યો! હા, મહાકાળીનો એ જ મંત્રજાપ, જેનું ઉચ્ચારણ થોડી ક્ષણો પહેલાં તાંત્રિક કરી રહ્યો હતો!

આશ્ચર્યની વાત તો એ હતી કે જીવન દરમિયાન તેણે કોઈ ગુરૂ નહોતો બનાવ્યો કે ન તો કોઈ મંત્રની દીક્ષા લીધેલ! આમ છતાં, તાંત્રિક દ્વારા ઉચ્ચારવામાં આવેલો મંત્ર તેને પોતીકો લાગ્યો હતો. મંત્રની ઊર્જા, કંપન અને અસરોને તે વૃક્ષ પર બેઠાં બેઠાં અનુભવી ચૂક્યો હતો. અને એટલે જ, મૃત તાંત્રિકની રુદ્રાક્ષની માળા લઈને ઊંચા સ્વરે અને તીવ્રતા સહ તેણે શુદ્ધ ઉચ્ચારણો સાથે મંત્રજાપ શરૂ કર્યો.

હજુ તો માંડ સાત વખત તેણે મંત્રજાપ કર્યો હશે, ત્યાં સાક્ષાત્ મહાકાળીનું ઉગ્ર સ્વરૂપ તેની સામે પ્રગટ થયું. કઠિયારો થીજી ગયો! તેના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું અને હ્રદય બંધ પડતાં પડતાં રહી ગયું.

… ઉગ્ર છતાં સૌમ્ય, રૌદ્ર છતાં માયાળુ અને ભયાવહ છતાં અતિસુંદર એવા મહાકાળીનું પ્રાગટ્ય! ખુલ્લા વિખરાયેલા વાળ, મોંમાંથી બહાર ડોકાતાં બે રાક્ષસી દાંત અને રક્તપાન કરી ચૂકેલી લાલચટક જિહ્વા, આખેઆખી કાળરાત્રિ જાણે નેત્રોમાં જ સમાઈ ચૂકી હોય એવી વિશાળકાય શ્યામ કીકીઓ અને એક હાથમાં માંસના લોચા સાથે લટકતી લોહિયાળ ખોપરી! અન્ય બે હાથોમાં દાતરડું અને મદિરા… ચોથો હાથ આશીર્વાદ આપતી મુદ્રામાં.

‘હું પ્રસન્ન થઈ, પુત્ર…’ સૃષ્ટિના સર્જનકાળ સમયે પડઘાયેલાં ઘેરા નાદ સાથે દેવીએ પૂછ્યું, ‘તારે શું જોઈએ છે?’

કઠિયારાના મોંમાંથી એક અક્ષર ન નીકળ્યો. તેને સહસા ભાન થયું કે જો મહાકાળીએ પ્રગટ થયા બાદ તેની સામે હેતાળ સ્મિત ન કર્યુ હોત તો અત્યારસુધીમાં કદાચ તે છળી મર્યો હોત!

‘હે સૃષ્ટિવિનાશિનિ આદિ મહામાયા, તમારા મહાકાળી અવતારને હું ભાવપૂર્વક વંદન કરું છું.’ કોઈક અજાણી શક્તિ જાણે પોતાને વાચા આપી રહી હોય એવો દિવ્ય અનુભવ કઠિયારાને થઈ રહ્યો હતો, ‘પાછલા એક પ્રહરથી આ તાંત્રિક તમારી ઘોર ઉપાસના કરી રહ્યો હતો એમ છતાં તમે એના પ્રાણ ન બચાવ્યા… અને મેં ફક્ત સાત વખત મંત્રજાપ કર્યો ને તમે સાક્ષાત્ દર્શન આપ્યા! મારી મૂઢ મતિને આપની આ અકળ લીલા પાછળનો તર્ક ન સમજાયો.’

‘એક પ્રહર?’ દેવીએ મમતાસભર અટ્ટહાસ્ય કર્યુ, ‘મારો એ ઉપાસક તો મને પાછલાં છ જન્મોથી આહ્વાન આપી રહ્યો છે!’

આ સાંભળીને કઠિયારો વધુ મૂંઝાઈ ગયો.

‘હજુ એનો સમય નથી આવ્યો!’ દેવીએ ફરી કહ્યું, ‘પણ હા, એના આવતાં જન્મમાં એ ચોક્કસપણે મારો સાક્ષાત્કાર પામશે. જ્યારે તું તો પાછલા હજારો વર્ષથી મારી ઘોર સાધનામાં પ્રવૃત્ત આત્મા છે! ગયા જન્મમાં મારો સાક્ષાત્કાર પામવાને આડે ફક્ત સાત મંત્રોચ્ચાર બાકી હતાં, એ વેળા જ તારું મૃત્યુ નીપજ્યું હતું. એ વખતે હજારો વર્ષોથી એકત્રિત થયેલી તારી મંત્રઊર્જાના ભાથામાં એટલી ક્ષમતા હતી કે હવે તું ફક્ત સાત વખત મારા મંત્રનો જાપ કરે, તો મારે ફરજિયાતપણે તારી સમક્ષ ઉપસ્થિત થવું પડે! માંગ… જે જોઈએ એ માંગ, પુત્ર!’

અને, કઠિયારાનું મસ્તક નમસ્કાર મુદ્રામાં ઝૂકી ગયું.

રસપ્રદ વાત એ છે કે ઓમ સ્વામીએ ‘ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર’, ‘કુંડલિની’, ‘’હિડન પાવર ઑફ ગાયત્રી મંત્ર’ સહિત મોટાભાગના પુસ્તકોમાં આ પ્રકારના પેરાનૉર્મલ અનુભવો અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. ‘સાધના’ નામની એમની મોબાઇલ એપ્લિકેશન આજની યુવાપેઢીને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ભક્તિમાર્ગ તરફ દોરી રહી છે!

Share Now