અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ સર્જ્યો નુકસાનીનો રેકોર્ડ, 6 મહિનામાં ગુમાવ્યા 1.7 લાખ કરોડ ડોલર

147

– કંપનીને થયેલું આ નુકસાન કેનેડા તથા રશિયાની જીડીપીથી પણ વધારે

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર : અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકરોક ઈંક હંમેશા રેકોર્ડ સર્જવા માટે જાણીતી રહી છે. તે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજર છે અને તે પહેલી એવી કંપની હતી જેનો એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)નો આંકડો 10 લાખ કરોડ ડોલરને પાર કરી ગયો હતો.જોકે ઉપર ઉઠવું કે સફળતાનો અર્થ એવો નથી થતો કે તમે કદી ફેલ નહીં જાઓ.

બ્લેકરોકે આ વર્ષે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.આ રેકોર્ડ છે 6 મહિનામાં કોઈ એક કંપની દ્વારા સૌથી વધુ રૂપિયા ગુમાવવાનો.કંપનીએ વર્ષ 2022ના પ્રથમ 6 મહિનામાં જ ગ્રાહકોના પૈસામાંથી આશરે 1.7 લાખ કરોડ ડોલર ગુમાવ્યા છે.

રશિયા અને કેનેડાની GDPથી વધુ નુકસાન

કંપનીને થયેલું આ નુકસાન કેનેડા તથા રશિયાની જીડીપીથી પણ વધારે છે.વર્લ્ડ બેંકના આંકડાઓ પ્રમાણે કેનેડાની જીડીપી 2022ના વર્ષમાં 1.63 ટ્રિલિયન ડોલર હતી અને રશિયાની જીડીપી 1.50 ટ્રિલિયન ડોલર હતી.ગત સપ્તાહે કંપનીના મેનેજમેન્ટ દ્વારા પોતાના ઈન્વેસ્ટમેન્ટના પ્રદર્શન સાથે સંકળાયેલા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.સાથે જ કંપની દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પ્રથમ 6 મહિના દરમિયાન નોંધાયેલો આ ઘટાડો માર્કેટ ભારે નીચું જવાના કારણે આવ્યો છે.

કંપનીના ચેરમેન તથા સીઈઓ લૈરી ફિંકે જણાવ્યું હતું કે, વર્ષ 2022ના પ્રથમ 6 મહિના શેર માર્કેટ તથા બોન્ડ માર્કેટ એમ બંને રીતે છેલ્લા 50 વર્ષનો સૌથી ખરાબ સમય રહ્યો છે.ઈક્વિટીના વેપારમાં ફંડનું ડાયવર્સિફિકેશન ખૂબ જ મહત્વનું હોય છે. લગભગ તમામ ઈન્ડસ્ટ્રીમાં ફંડને એક્ટિવ રણનીતિઓમાંથી કાઢીને પેસિવમાં લઈ જવામાં આવ્યું હતું. બ્લેકરોકના કેસમાં છેલ્લા એક દશકામાં આશરે 21 અબજ ડોલર એક્ટિવ ઈક્વિટીમાંથી કાઢવામાં આવ્યા હતા અને તેના સાથે 73 અબજ ડોલર ઈન્ડેક્સ ઈક્વિટીમાં લઈ જવાયા હતા.કંપનીની પેસિવ સ્કીમ્સ સાથે સંકળાયેલું ઈક્વિટી હોલ્ડિંગ હવે તેના એક્ટિવ બિઝનેસથી આશરે 10 ગણું વિશાળ છે. જોકે સાથે જ તે કેટલીક મલ્ટી એસેટ અને વૈકલ્પિક રણનીતિ ધરાવતા ફંડને પણ મેનેજ કરે છે.

Share Now