– ટેક્સચોરોને પકડવામાં સીજીએસટી અધિકારીઓ સુસ્ત
– માલ ખરીદનાર વેપારીએ ટેક્સ ચૂકવી ઇનપુટ ટેક્સક્રેડિટ લીધી છતાં તેમની કરાતી હેરાનગતિ
અમદાવાદ,ગુરૃવાર : ગુડ્સ એન્ડ સવસ ટેક્સની નોટિસો આપ્યા બાદ સીજીએસટીના અધિકારીઓ દ્વારા વેપારીઓની અસહ્ય કનડગત કરતા હોવાની ફરિયાદ કરીને તેમણે તેમના કેસ અન્ય કચેરીમાં ટ્રાન્સફર કરવાની માગણી કરી છે.બોગસ બિલિંગને નામે તેમને નોટિસ આપ્યા બાદ દૂધેશ્વર, કડિયાકૂઇ અને બાપુનગરના વેપારીઓને નોટિસ આપ્યા પછી આઉટ ઓફ વે જઈને કેસ સેટલ કરવા માટે દબાણ કરી રહ્યા હોવાની એક ફરિયાદ પણ કરવામાં આવી છે.
આ પ્રકારના કેટલાક કેસોમાં બિલ પ્રમાણે માલની ખરીદી કરીને જીએસટી જમા કરાવીને ઇનપુટ ટેક્સક્રેડિટ લીધી હોવા છતાંય માલનો સપ્લાય કરનારે ટેક્સ જમા ન કરાવ્યો હોવાથી ખરીદનાર વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.પરિણામે ટેક્સ ભરનારા વેપારીઓ હેરાન થઈ રહ્યા હોવાનું અને ટેક્સની ચોરી કરનારાઓ છૂટથી ફરી રહ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.આ પ્રકારના અન્ય કેસમાં સીજીએસટીની જૂની હાઈકોર્ટ પાસેની કચેરીના કેટલાક અધિકારીઓ સામે તપાસ કરીને સીબીઆઈએ કેસ પણ બનાવ્યો હોવાનું ભૂતકાળમાં બહાર આવ્યું છે.
આંબાવાડી કચેરીના સીજીએસટીના પ્રિન્સિપાલ ચીફ કમિશનરને દસ દિવસ પૂર્વે ટેક્સ પેયર્સ પ્રોટેક્શન કાઉન્સિલના માધ્યમથી એક પત્ર લખીને કરેલી ફરિયાદમાં તેમને ન્યાય મળે તે માટે તેમના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરી આપવાની માગણી કરવામાં આવી છે.તેમને જીવાભાઈ ચેમ્બરમાં બેસતા અધિકારીઓ તરફથી કનડગત કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.આ કચેરીના અધિકારીઓની નીતિરીતિમાં તેમને રતિભાર વિશ્વાસ જ ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ પ્રકારના કેસમાં માસ્ટરમાઈન્ડ હિમાંશુ રજનિકાન્ત શાહ હોવા છતાંય તેની સામે કોઈ જ પગલાં ન લઈને તેને છાવરવાની અને નાના વેપારીઓને કનડગત કરવાનું વલણ અધિકારીઓ અપનાવી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે.હિમાંશુ રજનિકાન્ત શાહે ૫૦થી ૬૦ બોગસ કંપનીઓ ઊભી કરીને બિલિંગનો મોટો વેપાર કરવા માંડયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.