– બરવાળા પોલીસના એએસઆઈની હેડક્વાર્ટર બદલી
– કોંગ્રેસનું મોવડી મંડળ રોજીદ ગામે પહોંચ્યું, મૃતકના પરિવારજનો સાથે મુલાકાત, રૂા. 10-10 લાખ સહાયની આપવા માંગણી
બરવાળા : બરવાળા, રાણપુર અને ધંધુકા પંથકના લઠ્ઠાકાંડે રાજકારણનો રંગ ઓઢી લીધો છે.બરવાળામાં કોંગ્રેસનું મોવડી મંડળે પહોંચી મૃતકના પરિવારજનો સાથે મુલાકાત લઈ સરકાર પાસે રૂા.૧૦-૧૦ લાખની સહાય આપવા ઉપરાંત સમગ્ર કાંડમાં નાના કર્મચારીઓ ઉપર પગલા ભરવાના બદલે આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનારી લઠ્ઠાકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાયા છે.દારૂબંધીની કડક અમલવારીની આલબેલ પોકારતી પોલીસ અને સરકાર સ્વબચાવ માટે લઠ્ઠાકાંડ નહીં પરંતુ કેમિકલકાંડની કથની કરી રહી છે. તેવામાં આ ગંભીર ઘટનાને લઈ સ્ટેટ વિઝિલન્સ અને સરકારે રચેલી તપાસ સમિતિના વડાએ તાબડતોડ બરવાળા પહોંચી યુધ્ધના ધોરણે તપાસનો ધમધમાટ આદરી દીધો છે.આ ઉપરાંત એફએસએલની ટીમ ગઈકાલથી જ પહોંચી ગઈ છે. લઠ્ઠાકાંડના ઘેરા પડઘા પોલીસ બેડામાં પણ પડવા લાગ્યા છે.બરવાળા પોલીસના એએસઆઈ યાસ્મિન જરગીલાને તાત્કાલિક અસરથી બદલી કરી બોટાદ પોલીસ હેડક્વાર્ટરમાં મુકી દેવામાં આવ્યા છે.
જ્યારે ખળભળાટ મચાવનારા લઠ્ઠાકાંડને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ,વિપક્ષના નેતા,કોંગી ધારાસભ્ય,ધંધુકાના ધારાસભ્ય સહિતના આગેવાનો રોજીદ ગામે દોડી આવ્યા હતા અને મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી તેઓને રૂા.૧૦-૧૦ લાખની સહાય આપવા અને આ બનાવમાં નાના પોલીસ કર્મચારીના બદલે આઈપીએસ અધિકારીઓ સામે તપાસ કરી કડકમાં કડક પગલા ભરવા જોઈએ તેવી કોંગ્રેસે માંગણી કરી હતી.