વોશિંગ્ટન, તા.29 માર્ચ 2020, રવિવાર
કોરોના વાયરસે દુનિયાભરની ઈકોનોમી પર બહુ મોટો ફટકો માર્યો છે.વિશ્વ 2008 કરતા પણ વધારે ભયાનક મંદીમાં ફસાઈ ચુક્યુ છે તેમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યુ છે.IMFનુ કહેવુ છે કે, વિશ્વ કોરોના વાયરસના કારણે બહુ મોટા નાણાકીય સંકટનો સામનો કરી રહ્યુ છે. 2020 અને 2021ના વિકાસદરની સંભાવનાઓનુ ફરી મુલ્યાંકન કરવામાં આવી રહ્યુ છે.2021માં અમને ઈકોનોમીમાં સુધારો થવાની આશા છે પણ વર્તમાન એક વર્ષ તો સંકટોથી ભરપૂર હશે.IMFના ડાયરેક્ટર ક્રિસ્ટલિના જોર્જીવાએ કહ્યુ હતુ કે, 2021માં પણ ઈકોનોમીમાં સુધારો તો જ જોવા મળશે જો દરેક જગ્યાએ વાયરસ પર કાબૂ મેળવવામાં આવ્યો હોય અને કેશની સમસ્યાના કારણે કંપનીઓ દેવાળુ ના ફૂંકે.અમેરિકાની જેમ દુનિયાના બીજા દેશોમાં પણ મંદી છે. અચાનક જ ઈકોનોમી બંધ પડી જવાના કારણે સૌથી મોટી ચિંતા કંપનીઓનુ દેવાળુ કાઢવાની અને્ લોકોની છટણી થવાની છે.જેનાથી સામાજીક માળખા પર પણ અસર પડી શકે છે.તેમણે કહ્યુ હતુ કે, ઉભરતા માર્કેટોની કુલ નાણાકીય જરુરિયાત હાલના સમયે 2500 અબજ ડોલરની છે. આ જરુરિયાતને તે દેશોના ઘરેલુ સંસાધનો અને નાણાકીય ભંડારથી પુરી કરી શકાય તેમ નથી.
2020માં ઈકોનોમી પર શું અસર પડશે તેના જવાબમાં તેમણે ક્હ્યુ હતુ કે, આ વાતનુ અનુમાન લગાડવામાં આવી રહ્યુ છે.થોડા દિવસોમાં તેના આંકડા જાહેર કરવામાં આવશે પણ જે ફટકો પડ્યો છે તે બહુ મોટો છે.