– ગંગામાં પ્રદૂષણનો ગ્રાફ નીચો જવાના બદલે વધી રહ્યો છે તે ચિંતાજનક
– રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના અહેવાલ પ્રમાણે 5 પ્રમુખ રાજ્યોમાં ગંગાના કુલ 245 એસટીપીમાંથી 226 જ કામ કરી રહ્યા છે
નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુક્રવાર : દેશની અતિ પવિત્ર તથા મહાનતમ નદીઓ પૈકીની એક ગંગા નદીમાં હજુ પણ 60 ટકા સીવેજનો નિકાલ કરવામાં આવે છે.ગંગાના શુદ્ધિકરણ માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે અનેક યોજનાઓ બનાવી છે પરંતુ રાષ્ટ્રીય નદીની સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો.નમામિ ગંગે પરિયોજનાની શરૂઆત વખતે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, 2019 સુધીમાં ગંગાને સ્વચ્છ કરી દેવામાં આવશે.આજે સ્થિતિ એવી છે કે, 97 સ્થળોએ આસ્થાના પ્રતીક સમાન ગંગા નદીનું પાણી આચમન કરવા લાયક પણ નથી રહ્યું.
નિયમોનું પાલન નહીં
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) માત્ર 136 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું મોનિટરિંગ કરે છે.તેમાંથી 105 જ કામ કરી રહ્યા છે અને તેમાં પણ 96 એસટીપી નિયમ તથા માપદંડોનું પાલન નથી કરી રહ્યા.આ કારણે નારોરાથી આગળના 97 સ્થળોએ ગંગા નદીનું પાણી ખૂબ જ દૂષિત છે.
વધી રહ્યો છે પ્રદૂષણનો ગ્રાફ
રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી)એ ગત શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, ગંગામાં પ્રદૂષણનો ગ્રાફ નીચો જવાના બદલે વધી રહ્યો છે તે ચિંતાજનક છે.રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના અહેવાલ પ્રમાણે 5 પ્રમુખ રાજ્યોમાં ગંગાના કુલ 245 એસટીપીમાંથી 226 જ કામ કરી રહ્યા છે.
ઉત્તરાખંડ,યુપી,બિહાર,ઝારખંડ તથા પશ્ચિમ બંગાળમાંથી દરરોજ 10139.3 એમએલડી (પ્રતિદિન/મિલિયન લીટર) સીવેજ નીકળે છે.તેમાંથી 3959.16 એમએલડી એટલે આશરે 40 ટકા સીવેજ જ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર થાય છે.ગંગા જ્યાંથી પસાર થાય છે તેવા 5 પ્રમુખ રાજ્યોમાં રહેલા 226 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ પોતાની ક્ષમતા કરતા ઓછું કામ કરે છે.આ કારણે બાકીના 60 ટકા સીવેજને સીધું ગંગામાં વહાવી દેવાય છે.
ઉત્તર પ્રદેશ : રાજ્યમાં કુલ 118 એસટીપી છે જે 3655.28 એમએલડીની ક્ષમતા ધરાવે છે.સામે દરરોજ 5500 એમએલડી સીવેજ નિકાસી થાય છે.ઉપરાંત એસટીપીની કુલ ક્ષમતાના 83 ટકા સીવેજ ટ્રીટમેન્ટ જ થઈ રહી છે.
ઝારખંડ : રાજ્યમાં 107.05 એમએલડીની ક્ષમતાવાળા 16 એસટીપી કામ કરી રહ્યા છે અને 452 એમએલડી સીવેજ નિકાસી થાય છે.તે પોતાની ક્ષમતાના 68 ટકા સીવેજ ટ્રીટમેન્ટ જ કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળ : રાજ્યમાં દરરોજ 2,758 એમએલડી સીવેજ નિકાસી થાય છે જ્યારે 1236.981 એમએલડી સીધું ગંગામાં જવા દેવામાં આવે છે.રાજ્યમાં કુલ 37 એસટીપી છે જેમની ક્ષમતા 1438 એમએલડી સીવેજ ટ્રેટમેન્ટની છે.

