અમદાવાદ,તા.29 જુલાઈ 2022,શુક્રવાર : તમિલનાડુ સરકારનું ટેન્ડર અને રો મટીરીયલ સસ્તા ભાવે આપવાની વાત કરી ૨૭ કરોડની ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ ગાલા પ્રિન્ટ સીટીના સંચાલક વિશાલ ગાલાએ સાયબર સેલમાં દસ દિવસ અગાઉ નોંધાવી હતી.સાયબર સેલે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કરતા ખુદ ફરિયાદીએ ખોટી રજૂઆત કર્યાનું ધ્યાને આવ્યું હતું.પોલીસ તપાસમાં વિશાલ ઓનલાઈન ગેમમાં રૃ.૨૭ કરોડ હાર્યાનો ઘટસ્ફોટ થયો હતો.પોલીસે નોન સ્કીલ ગેમિંગમાં ઓનલાઈન પૈસા હારેલા વિશાલ ગાલાની ગેમ્બલીંગ એક્ટ મુજબ ધરપકડ કરી
કાર્યવાહી કરી છે.
નોન સ્કીલ ગેમિંગમાં પૈસા હાર્યા બાદ ફ્રોડની ખોટી ફરિયાદ કરીઃ ગેમ્બલીંગ કેસમાં ધરપકડ
નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા વિશાલ ગાલાની ૨૭ કરોડની ઠગાઈની ફરિયાદને ગંભીરતાથી લઈને સાયબર સેલે તપાસ હાથ ધરીને ફ્રોડ કરનાર વ્યક્તિના મોબાઈલ નંબરના લોકેશન કઢાવવામાં આવ્યા હતા.જે લોકેશન કર્ણાટકાના બેંગ્લોર ખાતેના આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને કરનસિંઘ દાનસિંઘ રાવત (ઉં,૩૪) રહે, આરટી નગર પાસે, બેંગ્લોરનાઓ મળી આવ્યો હતો. કરન ફોનપેસાનો ડાયરેકટર હોવાનું ફરિયાદીના ખાતામાં ફોનપેસાના ખાતામાં પૈસા જમા થતા હોવાની વિગતો પોલીસને મળી હતી.
પોલીસે કરનને લાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ફરિયાદી વિશાલ ગાલા સાથે તેણે કોઈ ટેન્ડર અપાવવાની કે સસ્સુ રો મટીરીયલ અપાવવાની વાત થઈ નથી.વિશાલ ગાલાએ પોતાની મરજીથી ઈન્ડિયા૨૪ બેટ.કોમ પર નામની નોન સ્કીલ ગેમીંગથી પૈસાની હારજીત કરવા માટે પોતાના કે તેમની કંપની ગાલા ગ્લોબલ પ્રોડકટ લીમીટેડના બેંક એકાઉન્ટમાંથી ફોનપૈસાના નોડલ બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ કે બીજા બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભરેલ અને ગેમ્બલીંગ કર્યું હતું.આ અંગે સાયબર સેલે તપાસ કરતા વિશાલ ગાલાએ ટેન્ડર માટે ભરેલા પૈસાની જે એન્ટ્રીઓ બતાવી તેના ઈલેક્ટ્રોનીક પુરાવા પરથી સ્પષ્ટ થયું કે, તેઓએ ઓનલાઈન ગેમ્બલીંગમાં પૈસાની હારજીત કરી હતી.આ અંગે પોલીસે ગેમ્બલીંગનો અલગથી ગુનો દાખલ કરી વિશાલ ગાલાની અટકાયત કરી હતી.
સાયબરમાં અરજી બાદ ઓનલાઈન જુગાર રમવાનું ચાલુ હતું
સાયબર સેલના ડીસીપી અમીત વસાવાએ જણાવ્યું હતું કે, વિશાલ ગાલાએ ૨૭ કરોડની ઠગાઈ બાદ ઓનલાઈન જુગાર રમવાનું ચાલુ રાખ્યું હતું.એક મહિનામાં તેણે ૯૬ લાખ ઓનલાઈન ચૂકવ્યાની એન્ટ્રી પણ મળી હતી.તે મોટેભાગે પર્સનલ એકાઉન્ટ કરતા કંપનીમાં એકાઉન્ટમાં ઓનલાઈન જુગાર વધુ પ્રમાણમાં રમતો હતો. વિશાલ ગાલા વિરૃદ્ધમાં અમારી પાસે પુરતા પૂરાવા છે.


