અમદાવાદ,તા.03 ઓગષ્ટ 2022,બુધવાર : આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના આરોપીઓની સજા સામેની અપીલ હવે ચાલવા પર આવી છે.જેમાં આજે આરોપી પ્રતાપ શિવાની અપીલમાં તેણે જે જામીનઅરજી કરી છે, સીબીઆઇએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તેની જામીન અરજી ફગાવી દેવા સોગંદનામું રજૂ કર્યું હતું.
દિનુ બોઘા સોલંકી સહિતના આરોપીઓની અપીલોની સુનાવણી તા.૧૮ મી થી શરુ થશે
બીજી બાજુ, ફરિયાદપક્ષ તરફથી આ કેસમાં આજે સમયની માંગ કરાતા હાઇકોર્ટે આરોપીઓની અપીલની સુનાવણી તા.૧૮મી ઓગસ્ટ પર મુકરર કરી હતી.ઉલ્લેખનીય છે કે, અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઇ સ્પેશ્યલ જજ તા.૧૧-૧૧-૨૦૧૯ના રોજ ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી,પ્રતાપ શિવા સોલંકી,શૈલેષ પંડયા,બહાદુરસિંહ વાઢેર સહિતના સાત આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારી હતી.જે સજા સામે દિનુ બોઘા સોલંકી સહિતના આરોપીઓએ હાઇકોર્ટમાં અપીલ કરી છે.તો, સુપ્રીમકોર્ટે પણ આ કેસમાં અપીલોની સુનાવણી શકય હોય તો ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં ઝડપથી પૂર્ણ કરવા અગાઉ તાકીદ કરેલી છે.
દરમ્યાન આજે આરોપી પ્રતાપ શિવાની જામીન અરજીમાં સીબીઆઇ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર આર.સી.કોડેકરે સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, આરોપી પ્રતાપ શિવા સોલંકી વિરુધ્ધ આ કેસમાં સબળ પુરાવો છે અને તેથી તેને જામીન પર છોડવો ના જોઇએ.ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીઓને સજા ફરમાવ્યે હજુ બે વર્ષ જ થયા છે.વળી, આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના કાવતરામાં મુખ્ય પ્રતાપ શિવાની પણ મુખ્ય ભૂમિકા છે કે જેણે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને બહાદુરસિંહ વાઢેર સાથે મળી સમગ્ર કાવતરુ રચ્યું હતું.આરોપીના ગુનાની ગંભીરતા અને તેનું ગુનાહિત કૃત્ય જોતાં તેને જામીન આપી શકાય નહી.