– રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જવાબો આપ્યા હતા
ગાંધીનગર, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર : રેપ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અસુમલ હરપલાની ઉર્ફે આસારામે અન્ય એક કેસમાં આજે ગાંધીનગરની કોર્ટમાં ઓનલાઈન હાજરી ભરી હતી.આસારામે કોર્ટ સમક્ષ પોતાના વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોવાનો દાવો કરીને પોતે ફસાઈ ગયો હોવાનું જણાવ્યું હતું.આસારામે કોણે અને શા માટે તેના પર રેપના આરોપો લગાવ્યા તે જણાવ્યું હતું.સ્પેશિયલ પ્રોસિક્યુટર આરસી કોડેકરના કહેવા પ્રમાણે એડિશનલ જિલ્લા ન્યાયાધીશ ડી કે સોનિકે સીઆરપીસીની કલમ 313 અંતર્ગત આરોપી સાથે સવાલ-જવાબ કર્યા હતા.કુલ 175 પાનાંઓમાં આસારામનું નિવેદન નોંધવામાં આવ્યું છે.સાથે જ આ કેસના સહ આરોપીઓ જેમાં આસારામની પત્ની,દીકરી અને 4 નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે તેમની પણ પુછપરછ કરવામાં આવશે.
જાણો કોના પર કર્યો આક્ષેપ
આસારામના કહેવા પ્રમાણે એક સમયે જેમને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેમણે તેના સામે ષડયંત્ર રચ્યું છે.બચાવ પક્ષના વકીલ ચંદ્રશેખર ગુપ્તાએ જણાવ્યું કે, પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી એટલે આસારામે પોતાની સામેના તમામ આરોપોને નકારી દેવાની સાથે જ તે આરોપો એક ષડયંત્રનો ભાગ હોવાનું પણ જણાવ્યું હતું.આસારામના કહેવા પ્રમાણે 12 વર્ષ પહેલા જે લોકોને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેમણે જ આ ષડયંત્ર રચ્યું છે.
FIR બોગસ હોવાનો દાવો
આસારામે કોર્ટમાં જણાવ્યું કે, ફરિયાદકર્તા દ્વારા દાખલ કરાવવામાં આવેલી એફઆઈઆર પણ બોગસ છે તથા પોલીસ સત્ય જાણવાનો પ્રયત્ન નથી કરી રહી.રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જવાબો આપ્યા હતા.સગીરાના યૌન શોષણ મામલે દોષી ઠેરવાયા બાદ 2018માં આસારામને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.
નારાયણ સાંઈને પણ દુષ્કર્મ કેસમાં આજીવન કેદ
સુરત ખાતેની આસારામની એક પૂર્વ અનુયાયીએ એવો આરોપ લગાવ્યો હતો કે, 1997થી 2006 દરમિયાન તેના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું.ત્યાર બાદ રાજસ્થાનમાં કેસ દાખલ થયો હતો.પીડિતાની નાની બહેને આસારામના દીકરા નારાયણ સાંઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો અને સુરત કોર્ટે તેને પણ આજીવન કેદની સજા ફટકારી છે.