નવસારી : મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ ડીપીમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મૂકતાં વિવાદ, પોલીસની કાર્યવાહી બાદ માફીનામું આપ્યું

174

– મહોરમના દિવસે મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ ડીપી પર પાકિસ્તાની ઝંડો મૂકતાં સ્ક્રીનશોટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા અને પોલીસ પણ કાર્યવાહી શરૂ કરી હતી

નવસારીમાં મહોરમ અગાઉ એક મુસ્લિમ સગીરે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પાકિસ્તાનનો ઝંડો મૂકી દેતાં આખા શહેરમાં મુદ્દો ‘ટૉક ઓફ ધ ટાઉન’ બન્યો હતો.જે મામલે પોલીસે કાર્યવાહી કરી સગીર અને તેના પિતાને પકડી લીધા હતા.જે બાદ બંનેએ માફીપત્ર લખી આપતાં મામલો પોલીસે આગળની કાર્યવાહી પડતી મૂકી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મંગળવારે (9 ઓગસ્ટ 2022) સાંજે નવસારીના સોશિયલ મીડિયા ગ્રુપોમાં કેટલાક સ્ક્રીનશોટ વાયરલ થયા હતા જેમાં એક સગીર મુસ્લિમ યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ મૂકેલો દેખાયો હતો. સ્ક્રીનશોટ ઝડપથી સોશિયલ મીડિયા પર ફરતા થતાં પોલીસ પણ આ મામલે સક્રિય થઇ હતી.સ્ક્રીનશોટમાં દેખાય છે કે સગીરના ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રોફાઈલ પિક્ચરમાં પાકિસ્તાનનો ઝંડો મૂકવામાં આવ્યો છે.જેની સાથે બાજુમાં મોટા અક્ષરે ‘Pakistan’ લખેલું પણ વંચાય છે.જોકે, આ સ્ક્રીનશોટ વાયરલ થઇ જતાં તેણે પ્રોફાઈલ ફોટો બદલી નાંખ્યો હતો અને અકાઉન્ટ પણ લૉક કરી દીધું હતું.

આ મામલે જાણ થતાં જ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઇ હતી અને આ સગીરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ સગીર અને તેના પિતા બંનેને પકડી લેવામાં આવ્યા હતા.જે બાદ બંનેને પોલીસ મથકે લાવવામાં આવતાં તેમણે માફીપત્ર લખી આપ્યું હતું અને દાવો કર્યો હતો કે સગીરે ભૂલથી પાકિસ્તાનનો ધ્વજ મૂકી દીધો હતો.આ મામલે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો અનુસાર પોલીસને તે રાત્રે જ આ બાબતે શહેરના નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી હતી.જે બાદ બીજા દિવસે પોલીસે કાર્યવાહી આરંભી હતી અને સગીર અને તેના પિતા બંનેને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રો અનુસાર સગીર અને તેના પિતાએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેને ઝંડો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ હોવાની જાણ ન હતી અને ધાર્મિક ઝંડો માનીને સરતચૂકથી સોશિયલ મીડિયા પર મૂકાઈ ગયો હતો.તેમજ તેના આ કૃત્યની પરિવારને જાણ ન હતી.જોકે, તેમ છતાં પોલીસે તેમની પાસે માફીપત્ર લખાવીને આગળ આ પ્રકારની હરકત ન થાય તેની બાહેંધરી લખાવી લીધી હતી.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર આરોપી સગીર છે અને માફીપત્ર પણ લખી આપવામાં આવ્યું હોવાથી પોલીસે પણ કાર્યવાહી બંધ કરી મામલો થાળે પાડ્યો છે.

Share Now