કોરોનાના કેર વચ્ચે ઉત્તર કોરિયાએ બીજી વખત મિસાઇલોનું પરીક્ષણ કર્યું

293

– અમેરિકા સાથે થયેલા કરારોની ઐસીતૈસી
– ઉત્તર કોરિયા કોરોનાના દર્દીઓની સારવાર પર ધ્યાન આપે, હાલ કોઇ પરીક્ષણ ન કરે : દક્ષિણ કોરિયાની સલાહ

સેઉલ,

દુનિયા ભરમાં કોરોના વાઇરસનો કેર છે ત્યારે બીજી તરફ ઉત્તર કોરિયાએ ફરી બે મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાએ જે મિસાઇલોનું પરીક્ષણ કર્યું તેને બેલેસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આ મિસાઇલોને તેણે પોતાના દેશની નજીકના સમુદ્રમાં છોડી હતી. કોરોનાનો કેર શરૂ થયો તે બાદ આ બીજી વખત ઉત્તર કોરિયાએ સમુદ્રમાં મિસાઇલ છોડી છે.

આ પરીક્ષણ અંગે જાણકારી આપતા દક્ષિણ કોરિયાના જોઇંટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું હતું કે રવિવારે સવારે ઉત્તર કોરિયાના પૂર્વી શહેર વોનસાનથી આ મિસાઇલો છોડવામાં આવી હતી, મિસાઇલો જાપાનના સમુદ્રમાં પડતી જોવા મળી હતી. મિસાઇલોની વધુમાં વધુ ઉંચાઇ ૩૦ કિમી હતી અને સમુદ્રમાં પડતા પહેલા આશરે ૨૩૦ કિમીનું અંતર કાપ્યું હતું.

દક્ષિણ કોરિયા અને અમેરિકાના ગુપ્તચર અધિકારીઓ આ પરીક્ષણ પર નજર રાખી રહ્યા છે.

દક્ષિણ કોરિયાએ અપીલ કરી છે કે હાલ કોરોનાની આ મહામારી વચ્ચે આ પ્રકારના પરીક્ષણો ન કરવા જોઇએ અને તેને તાત્કાલીક અટકાવી દેવા જોઇએ. થોડા દિવસ પહેલા પણ ઉત્તર કોરિયાએ કેટલીક મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. હાલ અમેરિકાની સાથેની વાતચીત અટવાઇ હોવાથી તેને આગળ વધારવા માટે આ પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

ઉત્તર કોરિયા હાલ દાવા કરી રહ્યું છે કે તેના દેશમાં કોરોનાનો કોઇ જ કેસ નથી સામે આવ્યો, જોકે નિષ્ણાંતોનો દાવો છે કે ઉત્તર કોરિયા જુઠ બોલી રહ્યું છે. ખરેખર દક્ષિણ કોરિયાની જેમ ઉત્તર કોરિયામાં પણ કોરોના વાઇરસના કેસો અનેક છે પણ તેને છુપાવીને મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે.

Share Now