મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આગામી રવિવારે આયોજન

164

– મહારાષ્ટ્રમાં ધમધમતી ગુજરાતી માધ્યમની શાળાઓ તથા વિધાર્થીઓનો પુરસ્કારોત્સવ

બે વર્ષના અંતરાલ બાદ મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા માતૃભાષાની જીવંત શાળાઓ અને તેમાં ભણેલાં તેજસ્વી તારલાંઓને સન્માનિત કરવા ‘સરસ્વતી સન્માન સમારોહ – ૨૦૨૨’નું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી,ગુજરાતી વિચાર મંચ,શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ,જન્મભૂમિ દૈનિક અને મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન સહયોગી સંસ્થા તરીકે આ ઉપક્રમમાં જોડાયા છે.

કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે માતૃભાષાની શાળામાં પ્રથમ આવનાર તમામ તેજસ્વી તારલાંઓ હાજર રહેશે.આ કાર્યકર્મનું આયોજન રવિવાર, તા. ૨૮ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ બપોરે ૩.૦૦ કલાકથી પંચોલિયા સભાગૃહ,ત્રીજે માળે, ટી.પી. ભાટિયા કૉલેજ, શાંતિલાલ મોદી રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ – ૪૦૦૦૬૭ ખાતે કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ એસ.એસ.સી. બોર્ડ ૨૦૨૨માં ૧૦૦% પરિણામ મેળવનાર માતૃભાષાની શાળાઓ અને માતૃભાષાની શાળામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.માતૃભાષા ગુજરાતીમાં ૯૦ કે તેથી વધુ અને અંગ્રેજીમાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવશે સાથે જ ગુજરાતી માધ્યમની શાળાઓમાં બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી/વિદ્યાર્થિનીનું તથા ધોરણ ૧૨માં ગુજરાતી વિષયમાં સૌથી વધુ મેળવનાર વિદ્યાર્થિનીનું પણ સન્માન કરવામાં આવશે.

ઉપરાંત સમારોહમાં લોકપ્રિય ગુજરાતી ગીત સંગીત અને ગરબાની રમઝટ જમાવવા સ્વરકિન્નરી ગ્રુપ મુંબઈ – ભાનુભાઈ વોરા, તૃપ્તિ છાયા તથા અન્ય કલાકારોને પણ આમત્રંણ આપવામાં આવ્યું છે.

સન્માન સમારોહ વિશે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતા જણાવે છે કે “કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધોને કારણે પાછલા બે વર્ષોમાં સન્માન સમારોહનું આયોજન થઈ શક્યું ન હતું.હવે જ્યારે કોરોના કાબૂમાં આવ્યો છે ત્યારે અમે આ વર્ષે ફરી માતૃભાષાના તેજસ્વી તરલાંઓને સન્માનિત કરવા ખૂબ જ ઉત્સાહિત છીએ.દેશ આઝાદીનો અમૃતનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, તેનો રંગ પણ કાર્યક્રમમાં ઉમેરાશે.”

ઉલ્લેખનીય છે કે મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧૧ વર્ષથી મહારાષ્ટ્રમાં માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યું છે.

Share Now