– એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે એકમેકના નેતાઓ સંપર્કમાં હોવાની વાત કરી : આ સિવાય એનસીપીએ બીજેપીનાં પંકજા મુંડેને જોડાવાનું આમંત્રણ આપ્યું
એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ તેમણે બીજેપીના સમર્થનથી સરકારની સ્થાપના કરી હોવા છતાં હજી પણ રાજ્યમાં અવિશ્વાસનું રાજકારણ ચાલી રહ્યું છે.એકમેકના વિધાનસભ્યો સંપર્કમાં હોવાની સાથે મોટા નેતાઓને મોટી ઑફર આપવામાં આવી રહી છે.એકનાથ શિંદે સરકારના પ્રધાનમંડળમાં જેમને સ્થાન નથી અપાયું એટલે તેઓ નારાજ હોવાનું કહેવાય છે.આવા નેતાઓ ઉદ્ધવ ઠાકરે જૂથના સંપર્કમાં હોવાનું તો ઉદ્ધવ ઠાકરે જૂથના બે વિધાનસભ્ય એકનાથ શિંદેના સંપર્કમાં હોવાનું બે દિવસથી ચાલી રહ્યું છે.એવામાં બીજેપીએ પંકજા મુંડેને વિધાન પરિષદમાં પણ સ્થાન ન આપ્યું હોવાનું કહેવાય છે એટલે તેમને એનસીપીએ મોટી ઑફર આપી હોવાનું ગઈ કાલે સામે આવ્યું હતું.
શિવસેનામાં વર્ચસ મેળવવા માટેની એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની સુપ્રીમ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. ગઈકાલે પણ આ સંબંધે સુનાવણી હાથ નહોતી ધરાઈ એટલે બન્ને જૂથ વચ્ચે સંઘર્ષ લંબાવાની શક્યતા છે.
ગુજરાતીઓ સામેના વિવાદાસ્પદ નિવેદન બદલ વિદ્યા ચવાણ સામે ફરિયાદ નોંધાઈ
એનસીપીનાં મહિલા પ્રદેશ અધ્યક્ષા વિદ્યા ચવાણે ૨૭ અને ૨૮ ઑગસ્ટે ‘બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા અને મોહિત કમ્બોજને ગુજરાત મોકલી દેવા જોઈએ,તેમનું મહારાષ્ટ્રમાં કોઈ કામ નથી’ એવું નિવેદન કર્યું હતું.મોહિત કમ્બોજે તેમની સામે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં લોકોમાં દુશ્મની ઊભી કરવાની ફરિયાદ નોંધાવી છે.કિરીટ સોમૈયા અને મોહિત કમ્બોજ મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી રહ્યા છે,જેમાં એનસીપી સહિતના અનેક નેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.વિદ્યા ચવાણે ૨૭ અને ૨૮ ઑગસ્ટે તેમના વિશે નિવેદન કર્યું હતું કે તેમને ગુજરાત મોકલી દેવા જોઈએ.અહીં તપાસ કરવા ન દેવી જોઈએ. ગુજરાતમાં અનેક લોકોના ડાયમન્ડના મોટા બિઝનેસ છે એટલે તેમની તપાસ કરવી જોઈએ.મહારાષ્ટ્રમાં અમે લોકો છીએ.અમિત શાહ જેવા ગૃહપ્રધાન કિરીટ સોમૈયા જેવા લોકોનું સાંભળે છે.લોકોની તપાસ કરાવવી અને ગુનેગારોને પ્રધાનપદ આપવું એ મોદી સરકારનું કામ છે.વિદ્યા ચવાણના આ નિવેદન સામે વાંધો લઈને મોહિત કમ્બોજે તેમની સામે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો છે.