– આંતરિક જૂથવાદને કારણે સાદાઈથી ઉજવણી થઈ રહી હોવાની ચર્ચા
– પાર્ટી ટીકીટ આપે તો ચૂંટણી લડીશ – ધારાસભ્ય ગોવિંદ પટેલ
કોરોના કાળનાં બે વર્ષને બાદ કરતાં છેલ્લા ઘણા વર્ષોથી શહેર ભાજપ દ્વારા જાહેરમાં ગણપતિ મહોત્સવ ઉજવાય છે.જેમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોવાથી શહેર અને જિલ્લા સહિત સૌરાષ્ટ્રનાં કાર્યકરો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે.પરંતુ ચાલુ વર્ષે શહેર ભાજપ દ્વારા જાહેર ગણેશોત્સવને બદલે કાર્યાલય ખાતે વાજતેગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું.જેને લઈને અનેકવિધ ચર્ચાઓનો દોર શરૂ થયો છે.જેમાં આંતરિક જૂથવાદને કારણે સાદાઈથી ઉજવણી થઈ રહી હોવાની ચર્ચા છે.જોકે ભાજપ દ્વારા આ માટે કોરોનાનું કારણ દર્શાવવામાં આવ્યું છે.આજે ગણપતિ સ્થાપન સમયે ધારાસભ્ય ગોવિંદ પટેલે નો રીપીટ થિયરી અંગે નિવેદન આપ્યું હતું.અને જણાવ્યું હતું કે, પાર્ટી ટીકીટ આપે તો ચૂંટણી લડીશ.
શહેર ભાજપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવનું આયોજન જાહેરમાં ભવ્ય રીતે કરવામાં આવે છે.તેમાં પણ આ વર્ષે ચૂંટણીઓ આવી રહી હોવાથી વધુ સારી રીતે આ મહોત્સવ ઉજવવામાં આવે તેવી ધારણા કાર્યકરોમાં હતી.જોકે પાટીલની નિમણુંક અને રૂપાણીની વિદાઈ બાદ સત્તાનું કેન્દ્ર બદલાયા બાદ સ્થાનિક ભાજપમાં પરિવર્તન આવ્યું છે.જે અંતર્ગત લગભગ તમામ કાર્યક્રમોમાં ઉપરથી જે કંઇ સૂચના આવે તે સૂચનાનું પાલન કરી સંતોષ માનવામાં આવે છે, આવી જ રીતે ગણપતિ મહોત્સવનું પણ માત્ર કાર્યાલય ખાતે કરાયું હોવાની ચર્ચા ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.
આ તકે દક્ષિણનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે નો રિપીટ થિયરી અંગેનાં સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી કરશે, અને પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે.પાર્ટી દ્વારા ટીકીટ આપવામાં આવશે તો ચૂંટણી લડીશ અને નહીં આપવામાં આવે તો પાર્ટી જે કોઈ જવાબરી આપશે તે નિષ્ઠાથી નિભાવીશ.તો શહેર ભાજપ પ્રમુખ તેમજ વિધાનસભા-69 બેઠકનાં મજબૂત દાવેદાર કમલેશ મિરાણીએ કહ્યું હતું કે, પાર્ટીએ બે ટર્મથી પ્રમુખની જવાબદારી આપી છે. ત્યારે ચારેય બેઠક પર તમામ ઉમેદવારોની જીત માટે કામ કરીશ.અને પાર્ટી ટીકીટ આપે તો ચૂંટણી પણ લડીશ.