– કૃપાલ સિંહ જઘીના પૂર્વમાં ભાજપના કિસાન મોર્ચાના જિલ્લા પ્રવક્તા હતા અને હાલ તેઓ રેલવે સલાહકાર સમિતિના સદસ્ય હતા
ભરતપુર, તા. 05 સપ્ટેમ્બર, 2022, સોમવાર : રાજસ્થાનના ભરતપુર શહેરમાં બેખોફ બનેલા બદમાશોએ રવિવારે મોડી રાતના સમયે ભાજપના પૂર્વ પદાધિકારી કૃપાલ સિંહ જઘીનાને ગોળીઓ વડે વીંધીને મારી નાખ્યા હતા.આ પ્રકારની ચકચારી હત્યાની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરાવી હતી પરંતુ હત્યારાઓનો કોઈ સુરાગ હાથ નથી લાગ્યો.
જૂની અદાવતના કારણે કૃપાલ સિંહની હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે અને તેમના મૃતદેહને આરબીએમ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યું છે.હત્યાની ઘટના અંગે જાણ થયા બાદ સાંસદ રંજીતા કોલી અને ભાજપના જિલ્લાધ્યક્ષ ડો. શૈલેશ સિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા.પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે કૃપાલ સિંહ જઘીના પૂર્વમાં ભાજપના કિસાન મોર્ચાના જિલ્લા પ્રવક્તા હતા.હાલ તેઓ રેલવે સલાહકાર સમિતિના સદસ્ય હતા.તેઓ મોડી રાતે પોતાની કાર દ્વારા ઘરે જઈ રહ્યા હતા તે સમયે 10:45 કલાકે જઘીના ગેટ પાસે બાઈક અને કારમાં સવાર એક ડઝનથી પણ વધારે બદમાશોએ તેમની કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી.ત્યાર બાદ હત્યારાઓએ તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.આરોપીઓએ એક ડઝનથી પણ વધારે ગોળીઓ ચલાવી હતી જે પૈકીની 6-7 ગોળી કૃપાલ સિંહની આરપાર નીકળી ગઈ હતી અને તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
ભરતપુર બદમાશોનો અડ્ડો
ભાજપના જિલ્લાધ્યક્ષે ભરતપુર હવે બદમાશોનો અડ્ડો બની ગયું હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.તેમણે જણાવ્યું કે, ભરતપુરમાં હવે હત્યા અને લૂંટપાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.તેમણે પપલા જેવા મોસ્ટ વોન્ટેડ આરોપીના સાથી ભરતપુર મૂવમેન્ટમાં જોવા મળ્યા હોવાનું પણ જણાવ્યું હતું.