કાબુલ, તા. 05 સપ્ટેમ્બર 2022 સોમવાર : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે.આ બ્લાસ્ટ રશિયાના દૂતાવાસ નજીક દારુલ અમન રોડ પર થયો છે.આ બ્લાસ્ટના કારણે અફરાતફરી મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે.આ 72 કલાકમાં બીજો બ્લાસ્ટ છે.આ બ્લાસ્ટ રશિયન એમ્બેસીની સામે થયો છે.
આ દરમિયાન ત્યાં અફઘાની લોકો વિઝા માટે લાઈનમાં ઉભા હતા.આ બ્લાસ્ટ વિશે સુરક્ષા અધિકારીઓ તરફથી હાલ કોઈ નિવેદન સામે આવ્યુ નથી.સ્થાનિક સમાચારો અનુસાર રશિયન એમ્બેસીની બહાર થયેલા આ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ સહિત 20 લોકોના મોત નીપજ્યા છે.
2 દિવસ પહેલા પણ થયો હતો વિસ્ફોટ
શુક્રવારે પણ ભીડ ભરેલી મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા જ્યારે 23 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. 72 કલાકની અંદર બ્લાસ્ટની આ બીજી ઘટના છે.તાલિબાની અધિકારીઓ અને એક સ્થાનિક તબીબી કર્મચારીએ આ જાણકારી આપી.તેમણે જણાવ્યુ કે હેરાત શહેરની ગુજારગાહ મસ્જિદમાં શુક્રવારે બપોરની નમાઝ વખતે આ વિસ્ફોટ થયો જ્યાં ઘણી ભીડ હતી.ઘટના સ્થળના વીડિયોમાં મસ્જિદ પ્રાંગણમાં મૃતદેહ વિખરાયેલા પડ્યા હતા.જમીન પર ખૂનના ડાઘ હતા.ડર અને આઘાતમાં લોકો ચીસો પાડી રહ્યા હતા.