
– જીએસટી ઉચાપત માટે 36 ડમી કંપનીઓ બનાવી
– ૧૩૨ કરોડનાં ખોટાં બિલ બનાવ્યાંઃ હસમુખની જીએસટી ફ્રોડના આઠ કેસોમાં સંડોવણી
મુંબઇ : થાણે જિલ્લાના ભિવંડીમાં જીએસટી વિભાગના અધિકારીઓએ જીએસટીના વધુ એક રેકેટનો પર્દાફાશ કરી ૧૩૨ કરોડ રૂપિયાના બનાવટી બીલને આધારે ૨૩.૧૬ કરોડ રૂપિયાની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) મેળવનાર હસમુખ પટેલ નામના એક વેપારીની ધરપકડ કરી હતી.પટેલને અદાલતમાં હાજર કરવામાં આવતા તેને ૨૩ સપ્ટેમ્બર સુધીની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આ સંદર્ભે જીએસટી વિભાગના સૂત્રોનુસાર સીજીએસટીના ભિવંડી કમિશનરેટની કરચોરી વિરોધી પાંખને મળેલ માહિતીના આધારે છ ખાનગી ફર્મ મેસર્સ મેકટેક સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ,યુજીએસકે ટ્રેડર,વર્લ્ડ એન્ટરપ્રાઈઝીસ,રોલેક્સ એન્ટરપ્રાઈઝીસ , એચએચટી એન્ટરપ્રાઈઝીસ અને યેશ એન્ટરપ્રાઈઝીસની તપાસ કરવામાં આવી હતી.આ પેઢીઓ તથા આરોપી હસમુખ પટલ વચ્ચે સંખ્યાબંધ સંપર્કો અને લીન્કની જાણકારી મળી હતી.ત્યાર બાદ આરોપી હસમુખ પટેલના ઘર પર છાપો મારવામાં આવ્યોહતો.તપાસમાં સ્પષ્ટ થયું હતું કે પટેલે અમૂક બનાવટી કંપનીઓ ઉભી કરી ૧૩૨ કરોડ રૂપિયાના બનાવટી બીલ (ઇન્વોઇસ)ની મદદથી ૨૩.૧૬ કરોડ રૂપિયાની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.કોઈ ચીજની ખરીદી કે વેચાણ કે પછી કોઈ સેવા પ્રોવાઈડ કર્યા કે કરાવ્યા વિના જ ખોટા વ્યવહારો દર્શાવી આ ઉચાપત કરવામાં આવી હતી.
હસમુખની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે જીએસટી ઉચાપત માટે તેણે કુલ ૩૬ જેટલી બનાવટી કંપનીઓ ઊભી કરી છે.આ કંપનીઓની અરસપરસ જાળ રચી ખોટા વ્યવહારો દર્શાવી તે ઈનપૂટ્ ક્રેડિટ મેળવી લેવાના ગોરખધંધા આચરતો હતો.તેણે ભિવંડી સહિત અન્ય જીએસટી કમિશનરેટના કાર્યક્ષેત્રના વિસ્તારોમાં પણ આ ગુના આચર્યા છે.આરોપી પટેલ જીએસટીના આઠ જેટલા ફ્રોડ કેસમાં ‘વોન્ટેડ’ છે.તેની સામે સીજીએસટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને ૨૩ સપ્ટેમ્બર સુધીની અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
ભિવંડી કમિશનરેટ વિસ્તારમાં ખોટી રીતે ઇનપૂટ ક્રેડિટ સહિતના ફ્રોડની તપાસ માટે ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.છેલ્લાં એક વર્ષમાં આ અભિયાન હેઠળ આ ૧૭મી ધરપકડ છે.