દેશમાં ફેલાયેલો ભય અને દહેશત કોરોના કરતાં પણ મોટી સમસ્યા : સુપ્રીમ

282

– હજારો ભયભીત, મજબુર મજૂરો હિજરત કરતા કેન્દ્રની ટકોર
– સ્થળાંતર કરી રહેલા મજૂરોના રહેવા, ભોજન સહિતની સુવિધા માટે શું કર્યું? : કેન્દ્ર પાસેથી સુપ્રીમે જવાબ માગ્યો

નવી દિલ્હી,

કોરોના વાઇરસ ફેલાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ૨૪મી તારીખે લોકડાઉન જાહેર કરી દીધુ હતું, જોકે આ લોકડાઉન જાહેર કર્યું તે પહેલા રાજ્યોમાં ફસાયેલા મજૂરો, ગરીબોને પોતાના વતન પરત જવાનો સમય ન મળતા હાલ અનેક રાજ્યોમાં હજારો મજૂરો પગપાળા રસ્તા પર ચાલતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે અને આ મજૂરો માટે શું મદદ કરાઇ તેનો જવાબ આપવા કહ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે હાલ ભારતમાં કોરોના નહીં ભય અને દહેશત મોટી સમસ્યા બની ગઇ છે.

સાથે જ હજારો મજૂરો હિજરત કરવા માટે મજબુર થયા છે તે અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે અને તેમની મદદ માટે સરકારે કેવા કેવા પગલા ઉઠાવ્યા તેનો સંપૂર્ણ રિપોર્ટ મંગળવારે આપવા આદેશ આપ્યો છે.

હાલ સુપ્રીમ કોર્ટમાં પણ વીડિય કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી ચાલી રહી છે. દેશની વર્તમાન સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ થઇ હતી અને મજૂરો, ગરીબોને થઇ રહેલી હેરાનગતી અંગે યોગ્ય પગલા લેવાની માગણી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે હજારો મજૂરો લોકડાઉનને કારણે ઘર વિહોણા થઇ ગયા છે કેમ કે મકાન માલિકોએ ભાડુ ન મળતા કાઢી મુક્યા છે જ્યારે અનેક મજૂરો પગપાળા જ વતન જઇ રહ્યા છે.

તેઓ માટે પુરતી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે અને તેમના ભાડા સરકાર ભરે સહિતની માગણી કરવામાં આવી છે. જોકે સરકાર વતી હાજર સોલિસીટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું હતું કે વાઇરસને ફેલતો રોકવા માટે આ મજૂરોનું પલાયણ રોકવું જરુરી છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તે દિશામાં પગલા ભરી રહી છે તેવો દાવો તેમણે કર્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારે અગાઉ શું પગલા ભર્યા તેના પર અમે ચર્ચા કરવા નથી માગતા, અમે સરકારના રિપોર્ટની રાહ જોઇશું. અરજદાર રશ્મિ બંસલે કહ્યું હતું કે હાલ મજૂરોને સમજાવવા, તેમને પુરતી સુવિધા આપવાની જરુર છે. બાદમાં કોર્ટે કહ્યું કે હાલ મજૂરો, લોકોમાં જે ભય અને દહેશત છે તે આ વાઇરસથી પણ મોટો છે.

Share Now