– વિદેશોમાં કરોડોના હવાલા કૌભાંડની તપાસ કરનાર ACBને આશંકા
– બીજા મોટા માથાંની સંડોવણી જણાશે તો ધરપકડ : આ કેસમાં નવા ગુના ઉમેરાશે
ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે તેમને સામાન્ય કેદીની જેમ ક્રાઈમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત રાખવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલાની તપાસ એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે હવે આ પ્રકરણમાં વિપુલ ચૌધરીએ બનાવેલી અલગ અલગ કંપનીઓ માં ડાયરેક્ટરોનો પણ રોલ હોય તેવું હાલ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ માની રહ્યા છે જે સંદર્ભે ટૂંક સમયમાં ડાયરેક્ટરોની સહીથી કોઈ બેંક પ્રોજેક્શન થયા હોય અને બેંકના એકાઉન્ટ હોય તો તેની વિગતો મેળવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાથે રાખીને તપાસ કરવામાં આવશે જ્યારે વિપુલ ચૌધરીએ પોતાની વગનો ઉપયોગ કરીને કૌભાંડમાં જેમનું નામ સામે આવી રહ્યું છે તેમાં બારોબાર રૂપિયા ઉઘરાયા હોય તો આ રૂપિયા આપનારને પણ એન્ટી કરપ્શન બ્યુરો શોધી રહી છે અને તેમના દ્વારા આ સંદર્ભે છેતરપિંડી કે વિશ્વાસઘાતનો ગુનો વિપુલ ચૌધરી પર દાખલ કરાવવા માટે એસીબીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિપુલ ચૌધરીના ભારતમાં જ નહી પરંતુ કેનેડા,અમેરિકા તેમજ અન્ય વિદેશ કંન્ટ્રીઓમાં પણ કરોડો રૂપિયાના રોકાણો કર્યા છે.તે પૈસા ભ્રષ્ટાચાર કરીને મોકલ્યા છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરશે. .વિપુલ ચૌધરી ઉપરાંત અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવશે અને તેમને પણ જેલ ભેગા કરવામા આવશે તેમ પણ પોલીસ અધિકારીઓએ ઉમેર્યુ છે.
ફરી જેલવાસના વિચારથી કાંપી ઉઠેલા વિપુલ ચૌધરીની કાકલૂદી
ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ પર રોકાયેલા વિપુલ ચૌધરીના ઊંબરે જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તેમને જોતાં જ ફરીથી જેલવાસની વરવી વાસ્તવિકતાથી તેઓ જાણે કાંપી ઉઠયા હતા.આ ટીમની કાર્યવાહીથી વાકેફ એક અધિકારીએ કહ્યા મુજબ, ધરપકડની વાત નિકળતાં જ વિપુલ ચૌધરીએ કાકલૂદી કરવા માંડી હતી કે, તેમણે જે કરવું હોય તે કરે કે જે જોઈએ તે લઈ લો પણ આ વખતે તેમને કોઈપણ રીતે જવા દો, પકડતાં નહીં.
એસીબીના અધિકારીઓએ રિમાન્ડ માગવાની સાથે હવે તેમની સામે કયા કયા મુદ્દે તપાસ કરવામાં આવશે તેનું આખું લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં ખાસ કરીને વિપુલ ચૌધરી દ્વારા પોતાની વગનો ઉપયોગ કરીને કેટલાક લોકો પાસેથી રૂપિયા મેળવ્યા હોય તેવું પણ તેમણે શંકા છે. બીજી તરફ્ વિપુલ ચૌધરીની ૩૧ કંપનીઓનું લીસ્ટ સામે આવ્યું છે આ કંપનીઓના નામે કઈ કઈ બેંક માં કેટલા એકાઉન્ટ છે તે શોધવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવામાં આવી છે એમ જ તેમને ટ્રાન્ઝેક્શન કરેલી એન્ટ્રીઓની વિગતો મેળવવા માટે પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે
જે એડવોકેટની ફી ડેરીમાંથી વસૂલી તે વાસ્તવમાં વકીલ જ નથી
વિપુલ ચૌધરીએ વકીલના નામે પૈસા લીધા હતા પણ તે ખરેખર વકીલ છે જ નહીં તેવું એન્ટીકરપ્શનની તપાસમાં સામે આવ્યુ છે આ રૂપિયા કેમ અને કઈ રીતે ઉતારી દીધા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે એવી વિગતો સામે આવી ગઈ છે કે જેમાં વિપુલ ચૌધરીએ જે વકીલના નામે પૈસા બે વાર સહકારી મંડળીમાંથી લીધા હતા.તે વ્યક્તિ ખરેખર વકીલ ન હોવાનુ જાણવા મળ્યુ છે.એટલે કે બોગસ વકીલ નામે રૂપિયા વધારે આવે છે જે સંદર્ભે પણ તપાસ કરવામાં આવશે.
ડેરીના અન્ય ડિરેક્ટરોની સંડોવણીની પણ આશંકા
વિપુલ ચૌધરી સિવાય અન્ય ડાયરેક્ટર પણ સકંજો આવી શકે છે તેવું એસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે વિપુલ ચૌધરીએ જે કૌભાંડ આચર્યુ છે તેમાં અલગ અલગ કંપનીઓમાં તેની સાથે અલગ અલગ ડાયરેક્ટરો પણ હતા જે ડાયરેક્ટરો પણ મુખ્ય ખરીદી સમયે કમિટીમાં હતા કે નહીં તેની વિગત મહત્વની છે કારણકે ફઇનલ ઓથોરિટી વિપુલ ચૌધરી હોય પરંતુ તેને ફઇનલ કરવા માટે કમિટીના સભ્યો હોવા જરૂરી છે જેથી આ કમિટીના સભ્યોએ પણ તેમાં મહત્વનો રોલ નિભાવ્યો હશે અને આ કૌભાંડની જાણ તેમને પણ હશે જેથી આવનારા સમયમાં આવા ડાયરેક્ટરને પણ શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એન્ટી કરસન બ્યુરો એ પ્રયાસ શરૂ કરી દીધા છે.
બીજા પૂર્વ ગૃહમંત્રીએ પોતાના વેવાઈને પકડવા ગયેલી પોલીસને પાછી કાઢી
વિપુલ ચૌધરીના અનેક ધંધાઓ હોવાથી તેના ઘણા બધા ભાગીદારો છે.ક્રાઇમબ્રાંચની ટીમે વિપુલને પકડયા બાદ અન્ય એક પુર્વ ગુહમંત્રીના વેવાઇના ઘરે પહોચી ગઇ હતી.કારણ કે તે પણ વિપુલના કેટલાક ધંધામાં ડાયરેકટર હોવાનુ જાણવા મળ્યુ છે. જેથી પુર્વ ગુહમંત્રીને આ અંગે જાણ થતાં તેમને ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને તેમના વેવાઇને પકડવા ભારે પડશે તેવુ સ્પષ્ટ શબ્દોમાં કહી દેતાં આખરે પોલીસ અધિકારીઓએ લીલા તોરણ પાછુ ફરવુ પડયુ હતુ.
પુર્વ ગુહમંત્રી વિપુલ ચૌધરીએ રાતવાસો ક્રાઇમબ્રાંચના લોકઅપના લોકઅપમાં સામાન્ય કેદીની જેમ વિતાવવો પડયો
કરોડો રૂપિયાના કૌભાંડો આચરીને જે ક્રાઇમબ્રાંચના અધિકારીઓને ઓર્ડર કરતા હતા તે જ પુર્વ ગુહમંત્રી વિપુલ ચૌધરીને ક્રાઇમબ્રાંચના અધિકારીઓના ઓર્ડરનુ પાલન કરવુ પડતાં તેમના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.અત્યંત વૈભવી લાઇફ સ્ટાઇલ જીવવા માટે ટેવાયેલા અને એસી સહિતની સુવિધાઓ ભોગવતા વિપુલ ચૌધરીએ આખી રાત ક્રાઇમબ્રાંચના લોકઅપમાં સામાન્ય આરોપીની જેમ માત્ર પંખાના સહારે વિતાવવી પડી હતી.


