માલધારીઓના વિરોધ વચ્ચે સુરતમાં દૂધ લેવા લોકોની પડાપડી

167

– સોશિયલ મીડિયામાં દૂધ ન મળવાના મેસેજ વાયરલ થતાં લોકોએ દૂધ લેવા માટે ડેરીઓ પર પડા પડી કરી હતી
– લોકોની પડાપડી જોઇને તકમાફિયાઓએ દૂધના ભાવમાં વધારો લઈ વેચાણ કર્યું

માલધારી સમાજ દ્વારા પોતાની વિવિધ માંગને લઈ હવે લડી લેવાના મૂડમાં હોય ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માલધારી સમાજ દ્વારા ડેરીઓને દૂધ નહીં આપી વિરોધ કરવાનો નક્કી કર્યું છે.સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા 21 સપ્ટેમ્બર ના રોજ ડેરીઓને દૂધ વિતરણ બંધ રાખી વિરોધ કરવાની જાહેરાત કરતા સુરતમાં ગઈકાલ રાતથી જ ભારે હોબાળો મચ્યો હતો.સોશિયલ મીડિયામાં દૂધ ન મળવાના મેસેજ વાયરલ થતાં લોકોએ દૂધ લેવા માટે ડેરીઓ પર પડા પડી કરી હતી, તો બીજી તરફ માલધારી દ્વારા સુમુલના ટેમ્પા રોકી દૂધની થેલીઓ તાપીમાં ફેંકી વિરોધ દર્શાવ્યો હતો.સુરતમાં ગઈકાલ રાતથી દૂધને લઈને મચી રહેલી અફરાતફરીને પગલે આજ રોજ પણ લોકો દૂધ લેવા માટે વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હતા.

દૂધ લેવા માટે લોકોની પડાપડી, તકનો ફાયદો ઉઠાવી દુકાનદારોએ 1 રૂપિયો વધારો લઈ વેચાણ કર્યું

માલધારીઓના હક અને માંગણીને લઈને વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે,તેઓ દ્વારા દૂધ વિતરણ એક દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરતા દૂધ ન મળવાની આશંકાયે દૂધ લેવા માટે ગઈકાલ રાતથી લોકો લાઈનમાં જોડાઈ ગયા હતા,સુરતની સુમુલ ડેરી ઉપરાંત શહેરની અનેક ડેરીઓ પર દૂધ લેવા માટે લોકોની પડા પડી જોવા મળી હતી એટલું જ નહીં પરંતુ આજરોજ વહેલી સવારે પણ લોકોએ દૂધ લેવા માટે લાઈનો લગાવી હતી,તો સાથે કેટલીક જગ્યાએ દુકાનદારોએ આ તકનો ફાયદો ઉઠાવી દૂધની થેલી પર રૂપિયો વધારે લઈ વેચાણ કર્યું હતું.માલધારીઓના દૂધ વિતરણ બંધ કરવાના વિરોધનો ફાયદો હવે દુકાનદારો ઉઠાવી રહ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ બાદ દૂધ નહીં મળે તેવી વાતોને પગલે લોકો બે દિવસનું દૂધ સંગ્રહ કરવા લાગ્યા છે અને તેના માટે વધારાના રૂપિયા પણ ચૂકવી રહ્યા છે.

દરેક સેન્ટરો પરથી પર્યાપ્ત માત્રામાં દૂધ મળી રહેશે,અછત બાબતે ચિંતા ન કરવા સુમુલ ડેરી અને ચોર્યાસી ડેરીની અપીલ

શહેરમાં દૂધ નહીં મળવાની અફવાએ જોર પકડતા ડેરી ઉપર જામેલી ભારે ભેજને પગલે સુમુલ અને ચોર્યાસી ડેરી દ્વારા સુમુલ અને 84 ડેરીના તમામ કાઉન્ટર ઉપર દૂધ મળશે તેવી જાહેરાત કરાઈ હતી બંને ડેરીઓ પાસે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો હોવાનું જણાવી દૂધની ચિંતા ન કરવા બાબતે સુમુલ ડેરી અને ચોર્યાસી ડેરીએ લોકોને અપીલ કરી હતી.

માલધારીઓ એ દૂધની થેલી તાપીમાં પધરાવી

માલધારીઓ દ્વારા વિરોધની જાહેરાત બાદ સુરત શહેરમાં દૂધ લઈ જતા ટેમ્પાને રસ્તા પર અટકાવી તેમાં રહેલી દૂધની થેલીઓ તાપી નદીમાં ફેંકવામાં આવી હતી.શહેરના ચોક બજાર વિસ્તારમાં નહેરુ બ્રિજ ઉપરથી લઈ જવાતા ટેમ્પાને લોકોના ટોળા દ્વારા રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટેમ્પામાં રહેલી દૂધની થેલી તાપી નદીમાં ફેકવામાં આવી હતી,તો અમુક લોકો દૂધની ઠેલીઓની લૂંટ ચલાવી હતી.તાપી નદીમાં ફેંકવામાં આવી રહેલી દૂધની થેલીઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

ઢોર નિયંત્રણ ના કાયદાના વિરોધમાં સમગ્ર ગુજરાતના માલધારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઇ માલધારીઓ દ્વારા દૂધનું વેચાણ નહીં કરતા આ વિરોધનો વંટોળ જોતામાં આખા ગુજરાતમાં પ્રસરી ચૂક્યો છે

Share Now