– રાજકોટમાં PIની બદલી રોકવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરાઈ
– પીઆઈ કે.એમ. ચૌધરીને કૂવાડવા પોલીસ મથકમાં પોસ્ટીંગ અપાયું હતું
રાજકોટમાં તાજેતરમાં પોલીસ કમિશ્નર દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતાં 10 જેટલા પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી.જેમાં કૂવાડવા પોલીસ મથકમાં ફરજ બજાવતાં બી.એમ.જનકાંતની બદલી કરીને તેમને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જ્યારે તેમના સ્થાને રાજકોટમાં નવા મુકાયેલા પીઆઈ કે.એમ. ચૌધરીને કૂવાડવા પોલીસ મથકમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.જો કે આ બદલીઓનો હુકમ કરાયા બાદ કૂવાડવા વિસ્તારમાં આવતાં 24 જેટલા ગામોના સરપંચોએ પોલીસ કમિશ્નરને પીઆઈ જનકાંતની બદલી રદ્દ કરવા માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ બેડી,કોઠારિયા,હડાળા,આણંદપર (બાઘી),સણોસરા,ખોરાણા,રાજગઢ, બેડી (વાછકપર),નાકરાવાડી,જાળીયા,માલીયાસણ,નાગલપર,તરઘડીયા,રાણપુર,હડમતીયા,પીપળીયા,ખીજડીયા, ગવરીદડ અને કાગદડી સહિતના 24 ગામોના સરપંચોએ પોલીસ કમિશ્નરને પીઆઈ બી.એમ.જનકાંતની બદલી રદ્દ કરવા માંગ કરી હતી.સરપંચોએ આ અંગે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સારી એવી કામગીરીથી લોકચાહના ધરાવતાં કૂવાડવા પોલીસ મથકના પીઆઈ બી.એમ.જનકાંતની બદલી કરી નાખવામાં આવી છે જે કૂવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોના હિત માટે બિલકુલ વ્યાજબી નથી.વિસ્તારમાં સતત લોકોની વચ્ચે રહેતા અને સ્થળ પર જ તેમની સમસ્યાનું નિરાકરણ સાથે સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ પીઆઈ દ્વારા કરવામાં આવે છે.તેમજ દેશી દારૂના અડ્ડાઓ પર પણ તેમના દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામાં આવતાં દેશી દારૂનું થતું વેચાણ બંધ થઈ ગયું છે.આ ઉપરાંત જુગારના હાટડા પણ સંદતર બંધ થઈ જવા પામ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, ખાસ વાત એ છે કે તહેવારોમાં પણ કોઈ જાતની અશાંતિ ન સર્જાય તેમાટે પીઆઈ બી.એમ.જનકાંતનાં સઘન પ્રયાસો સફળ નિવડ્યા છે.તેમની કામગીરીથી કૂવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં તમામ ગ્રામજનો રાહત અનુભવી રહ્યા છે.આ માટે તેમની બદલી તાત્કાલિક રદ્દ કરવી જોઈએ.આ સાથે જ તેમની ઑફિસના દરવાજા સામાન્ય લોકો માટે હંમેશા ખુલ્લા રહે છે અને તેમને ગમે ત્યારે રજૂઆત કરી શકાય છે જેથી લોકોમાં પોલીસ પ્રત્યે એક અલગ જ વિશ્ર્વાસ સંપાદિત થઈ ચૂકયો હોવાનું જણાવી આ બદલી રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.


