આ મોંઘવારીએ તો માજા મુકી છે.તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.જેના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.એક બાજુ તહેવારોની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ વસ્તુઓના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે.ત્યારે હવે અદાણી CNG ગેસના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.પહેલા રૂપિયા 83.90 રૂપિયામાં ગેસ મળતો હતો હવે વધીને રૂપિયા 86.90 રૂપિયા ભાવ થઇ ગયો છે.
ગેસના ભાવમાં વધારો કરવામાં આતા લોકોને મોંઘવારીનો વધુ એક માર વાગ્યો છે.તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ આજે 0.56 પૈસાનો વધારો થયો છે.અમદાવાદમાં CNGના ભાવ હવે ડીઝલના ભાવની એકદમ નજીક પહોચી ગયા છે. અમદાવાદમાં ડીઝલના ભાવ લીટરે 92.52 રૂપિયા છે.દરરોજ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો-ઘટાડો થતો રહે છે,જેને કારણે અલગ અલગ શહેરમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પણ વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં આજે 0.55 પૈસાનો વધારો નોંધાયો છે.અમદાવાદમાં લીટરે પેટ્રોલનો ભાવ 96.77 રૂપિયા છે.પેટ્રોલ કરતા CNGનો ભાવ માત્ર 10 રૂપિયા જ ઓછો છે.
ઉલ્લેખનિય છે કે વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવમાં વધારો થતાં શુક્રવારે નેચરલ ગેસના ભાવમાં રેકોર્ડ 40 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો.તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવાના દરને વર્તમાન $6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને $8.57 કરવામાં આવ્યો છે.આ દરે જ દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગ વેચવામાં આવશે.