દિલ્હી તબલીગી જમાતમાં કોરોનાનો ખતરો : ૨૦૦ને ટેસ્ટ માટે લઈ જવાયા

277

। નવી દિલ્હી ।

સંખ્યામાં એકઠા થતાં કોરોના સંક્રમણ વધવાનો ખતરો સર્જાયો છે. દિલ્હીની નિઝામુદ્દીન મસ્જિદમાં તબલીગી સમાજના હજારો લોકો એકઠા થયા હતા અને લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. તબલીગી સમાજનાં સેન્ટરમાં આ લોકો મલેશિયા, ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાથી આવ્યા હોવાનું મનાય છે. સત્તાવાળાઓની જાણમાં આ ઘટના આવતા ૨૦૦ લોકોને કોરોના ટેસ્ટ માટે જુદીજુદી હોસ્પિટલોમાં લઈ જવાયા છે અને ૨૦૦૦થી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. ૨૦૦માંથી ૩૪ના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાનો ટેસ્ટ કરાવવા કોઈને લઈ જવાયા હોવાની આ પહેલી ઘટના છે. નિઝામુદ્દીન મસ્જિદમાં એકઠા થયેલા પૈકી કેટલાક વિદેશથી આવ્યા છે. જે લોકોને ટેસ્ટ માટે લઈ જવાયા હતા તેમાંથી એકનું મોત થયું છે. તે તામિલનાડુનો રહીશ હોવાનું જાણવા મળે છે. બેને કોરોના પોઝિટિવ આવ્યો છે. પોલીસે આ આખા વિસ્તારને સીલ કર્યો છે અને ડ્રોનથી નજર રાખી રહી છે. લોકો બહાર ન આવે તે માટે પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. તબલીગી જમાતને પગલે દેવબંદ પણ હવે કોરોનાના સંક્રમણમાં ફસાયું હોવાનું જાણવા મળે છે.

આ ઈસ્લામિક પ્રચાર પ્રસાર સેન્ટરમાં ૧૦૦૦થી વધુ લોકો હોવાનું મનાય છે. ૧૫ દેશના ૧૦૦થી વધુ વિદેશીઓ અહીં આવ્યા છે અને ૧૦૦૦થી વધુ ભારતીયો છે. કોઈને બહાર નીકળવાની પરવાનગી અપાઈ નથી. જેમને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા છે તેમાંથી કેટલાક ખાંસી અને તાવની ફરિયાદ કરી રહ્યા છે. નિઝામુદ્દીન વિસ્તારમાં ૨૦૦૦ લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે જ્યારે અન્ય કેટલાકને બીજા વિસ્તારોમાં લઈ જવાયા છે. જમ્મુ કાશ્મીરમાં કોરોનાથી જે મોત થયું તેનું કનેક્શન અહીં હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ દિલ્હી અને દેવબંદ ગયો હતો અને પછી કાશ્મીરમાં તેનું મોત થયું હતું. દિલ્હીમાં કોરોનાના ૭૨થી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે અને ૨નાં મોત થયાં છે.

માર્ચનાં અંતમાં નિઝામુદ્દીન મસ્જિદમાં મુસ્લિમ ધર્મગુરુઓનો કોઈ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશ વિદેશના લોકો એકઠા થયા હતા. પ્રોગ્રામ પૂરો થયા પછી તેઓ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશના જુદાજુદા વિસ્તારોમાં ગયા હતા. કેટલાક લોકો દેવબંદ ખાતે કોઈ કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી કેટલાક લોકો કાશ્મીર પણ ગયા હતા. જેમાં ઇન્ડોનેશિયા અને સાઉદીના ૬થી વધુ લોકો હતા. તેમને જો કે સત્તાવાળાઓ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. ૨૦થી ૩૦ બસોમાં હજારો લોકો ભારતમાં જુદાજુદા સ્થળે ફર્યા હતા.

મેરઠની બે મસ્જિદમાં ૧૯ વિદેશીઓની પૂછપરછ : પાસપોર્ટ જપ્ત કરાયા

મેરઠની બે મસ્જિદમાં ૧૯ વિદેશીઓ એકઠા થયાના અહેવાલ પછી સત્તાવાળાઓ હરકતમાં આવ્યા હતા. તેમની પૂછપરછ કરીને પાસપોર્ટ જપ્ત કરાયા હતા. તેઓ કોરોના સંક્રમિત છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે. તેઓ સુદાન અને કેન્યાના હોવાનું મનાય છે અને ૧૭ માર્ચે મેરઠ ધર્મના પ્રચાર માટે મેરઠ આવ્યા હોવાનું જાણવા મળે છે.

દિલ્હીમાં કોરોનાની સારવાર માટે જુદીજુદી મેડિકલ ટીમ બનાવાઈ

દિલ્હી સરકારે કોરોનાની સારવાર માટે જુદીજુદી મેડિકલ ટીમ બનાવી છે આ મેડિકલ ટીમ બે શિફ્ટમાં કામ કરશે. એક ટીમ સવારે ૮થી સાંજે ૬ અને બીજી ટીમ સાંજે ૬થી સવારે ૮ સુધી કામ કરશે. ડોકટરો, નર્સો અને પેરા મેડિકલ ટીમ ૧૪ દિવસ રજા અને બ્રેક વિના કામ કરશે. દિલ્હીની ૨૧ હોસ્પિટલોને આ આદેશ લાગુ પડશે.

Share Now