– સુરત નગર નિગમમાં આમ આદમી પાર્ટી એટલા માટે 27 બેઠકો જીતી શકી કારણ કે, PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકરોને ટિકિટ આપવામાં આવી હતી
અમદાવાદ, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ પોતાનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે.પંજાબમાં મળેલી ભારે મોટી સફળતા બાદ ઉત્સાહમાં આવી ગયેલી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં સક્રિયતા દાખવી રહ્યા છે.બીજી બાજુ ભાજપ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાતની મુલાકાત લઈને લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
આ બધા વચ્ચે ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માસ્ટર પ્લાનિંગ સહિત કેટલાક બ્રહ્માસ્ત્ર છે જે વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
AAPનો કોઈ પડકાર નહીં
પાટીલના કહેવા પ્રમાણે ભાજપને આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો પડકાર નથી.સુરત નગર નિગમમાં આમ આદમી પાર્ટી એટલા માટે 27 બેઠકો જીતી શકી કારણ કે, PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકરોને ટિકિટ આપવામાં આવી હતી.
મોદી-શાહ કરશે ટિકિટની વહેંચણી
પાટીલના કહેવા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાં ટિકિટની વહેંચણી મોદી અને શાહ પર જ છોડી દેવામાં આવશે.તેમણે તમામ ઉમેદવારોનો બાયોડેટા વડાપ્રધાન અને ગૃહમંત્રીને સોંપી દેવાનો નિર્ણય લીધો છે.તેઓ દરેક કાર્યકરને ઓળખે છે.આમ જેને ટિકિટ નહીં મળે તેને પણ દિલ્હીથી નિર્ણય લેવાશે એટલે કોઈ પસ્તાવો નહીં થાય.
કોંગ્રેસ માટે શું કહ્યું
ભાજપના પ્રદેશ અધ્યક્ષે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ માટે કહ્યું કે, કોંગ્રેસનો અગાઉ જેવો 35 ટકાથી વધુ આધાર ધરાવતો વોટ શેર હવે નથી રહ્યો પરંતુ તેમના 15-18 ટકા મત હજું પણ સુરક્ષિત છે.આમ કોંગ્રેસ નિર્વિવાદપણે નંબર-2 પર છે.
પાટીલે જણાવ્યું કે, ઐતિહાસિક રીતે ગુજરાતે ચૂંટણીમાં કદી ત્રિકોણીયો જંગ નથી જોયો માટે આમ આદમી પાર્ટી ક્યાંય ટક્કરમાં પણ નથી અને તેનાથી કોઈ પડકાર જેવું પણ નથી.વધુમાં પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ફરી બેઠી થવા પ્રયત્ન કરી રહી છે પરંતુ કેન્દ્રીય કે સ્થાનિક સ્તરે અમુક ઘટનાઓના કારણે તે આ માટે સક્ષમ નથી.આ સાથે જ તેમણે મુખ્યમંત્રી પદનો આગામી ચહેરો કોણ હશે તેવા સવાલના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારૂં કામ કર્યું છે અને તેમને વધુ એક કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.