– થેલામાંથી જુદા-જુદા પેકેટમાં પેક કરેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
– પૂછપરછ દરમ્યાન અન્ય ત્રણ શખ્સો પણ ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું
અવાર-નવાર ગુજરાતનાં દરિયાકિનારા પાસેથી મોટી માત્રામાં માદક પદાર્થ પકડાતા હોય છે.ખાસ કરીને કચ્છ,સોમનાથના દરિયાકિનારા વિસ્તારમાં આ પ્રકારનાં કિસ્સા વધારે બનતા હોય છે ત્યારે હવે જામનગરથી માદક પદાર્થ પકડતા તપાસ એજન્સીઓ દોડતી થઇ છે.જામનગરમાંથી નેવલ ઇન્ટેલીજન્સને અને NCBની ટીમનો મોટી સફળતા મળી છે.મોટી માત્રામાં માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે સઘન તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ જામનગરના શરૂ સેકશન વિસ્તારમાંથી એક શખ્સને કરોડોની કિંમતના 10 કિલો એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.જ્યારે ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.જામનગર નેવલ ઇન્ટેલીજન્સને મળેલી બાતમીને આધારે શહેરના શરૂ સેક્શન વિસ્તારમાં આશાપુરા હોટલ નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક શખ્સને પોલીસે અટકાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી.તેમજ આ શખ્સની તલાસી દરમ્યાન તેની પાસે રહેલા થેલામાંથી જુદા-જુદા પેકેટમાં પેક કરેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમ્યાન પકડાયેલુ ડ્રગ્સ એમડી ડ્રગ્સ હોવાનુ બહાર આવ્યુ છે.ડ્રગ્સના જથ્થા સાથે આ શખ્સની અટકાયત કરવામાં આવી છે.આ ડ્રગ્સની કિંમત અંદાજે 6 કરોડ હોવાનું માનવામાં આવે છે.નેવલઇન્ટલિજન્સ દ્વારા ઝડપાયેલા શખ્સની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પૂછપરછ દરમ્યાન અન્ય ત્રણ જેટલા શખ્સો પણ ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા તેને દબોચી લેવા માટે જાળ બિછાવવામાં આવી છે.પ્રાથમિક જાણકારી મુજબ પકડાયેલ આ જથ્થાનું મેન્યુફેક્ચરિંગ મુંબઈમાં એક નાર્કોટીક્સ યુનિટમાં કરવામાં આવ્યુ હોય તેવી જાણકારી મળી રહી છે.
Social Share