શિવસૈનિકો કટ્ટપ્પાને માફ નહીં કરે : ઉદ્ધવ ઠાકરે, અમે હિંદુત્વને વફાદાર છીએ : શિંદે

107

– મુંબઈમાં દશેરાની સમાંતર રેલીમાં ઉદ્ધવ અને શિંદેના સામસામા પ્રહાર
– ઉદ્ધવના બંને ભાઈઓનો પરિવાર શિંદેની રેલીમાં હાજર : રેલીઓથી માર્ગો બંધ થતાં તથા હાઈવે અને ટ્રેનોમાં ભીડથી મુંબઈગરા પરેશાન

મુંબઈ : મુંબઈમાં દશેરાએ અસલ શિવસેના કોની તે સાબિત કરવા મુખ્યપ્રધાન એકનાથ શિંદે તથા ઉદ્ધવ ઠાકરેએ સમાંતર દશેરા રેલીઓનું આયોજન કર્યું હતું.તેમાં ઉદ્ધવ ઠાકરેએ શિંદે સેનાને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે શિવસૈનિકો કટપ્પાને ક્યારેય માફ નહીં કરે જોકે તની સામે શિંદેએ એવો જવાબ આપ્યો હતો કે અમે હિંદુત્વને વફાદાર રહ્યા છીએ જ્યારે હિંદુત્વ સાથે અસલી ગદ્દારી તો ઉદ્ધવ જૂથે કરી છે.

શિવસેનાની સ્થાપના વખતથી દશેરાએ બાળા સાહેબ
ઠાકરે રેલી યોજતા રહ્યા હતા.પરંતુ, આ વખતે શિવસેનામાં બે ફાડિયાં થઈ ગયા બાદ બંને જૂથે સમાંતર રેલી યોજી હતી.મુખ્યપ્રધાન એકનાથ શિંદેના જૂથે ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્ક,દાદર ખાતેના પરંપરાગત સ્થળે રેલી ના યોજી શકે તેવા પ્રયાસો કર્યા હતા પરંતુ હાઈકોર્ટના ચુકાદાના કારણે ઉદ્ધવે ત્યાં જ રેલી યોજી હતી.જેને સમાંતર શિંદે જૂથે બીકેસીમાં એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે રેલી યોજી હતી.

ઉદ્ધવ ઠાકરેએ ટૂંકું ભાષણ કરતાં કહ્યું હતું કે દર દશેરાએ રાવણ દહન થાય છે પરંતુ આ વખતે રાવણ જુદો છે.શિવસૈનિકો ગદ્દારી કરનારા કટપ્પાને ક્યારેય માફ નહીં કરે.મુખ્યપ્રધાન શિંદે પર સીધા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રને મળવા જોઈએ તેવા પ્રોજેક્ટ ગુજરાત ઘસડાઈ રહ્યા છે પરંતુ શિંદે હાથ પર હાથ ધરીને બેઠા છે.તેમણે પોતે હિંદુત્વ છોડયું હોવાના શિંદે જૂથના આક્ષેપો પણ ફગાવ્યા હતા અને કહ્યું હતું કે આરએસએસના વડા ભાગવત પણ તાજેતરમાં મસ્જિદે ગયા હતા પરંતુ તેથી તેમણે હિંદુત્વને છેહ આપ્યો છે એમ કહી શકાય નહીં.ઉદ્ધવે એમ પણ કહ્યું હતું કે જેમના નેતાઓ પાકિસ્તાનમાં ઝીણાની મજાર પર માથું નમાવવા ગયા હતા તેઓ અમને હિંદુત્વના પાઠ ના ભણાવે.

શિંદેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ ચીન પાસેથી આપણી જમીન પાછી લાવી બતાવે તો એમના ચરણોમાં શીશ ઝુકાવવા અણે તૈયાર છીએ. બિલ્કિસ કેસના ગુનેગારોને છોડી દેવા તથા સન્માનવાનાં પગલાંની પણ તેમણે ટીકા કરી હતી.શિંદેએ બીકેસી ખાતે અતિશય લાંબુ પ્રવચન આપતાં કહ્યું હતું કે અગાઉ બાળા સાહેબ ઠાકરે ખુદ રિમોટ કન્ટ્રોલ ચલાવતા હતા પરંતુ ઉદ્ધવ સરકાર એનસીપીના રિમોટથી ચાલતી હતી.તેમણે કહ્યું હતું કે બાળાસાહેબના અસલી વારસ અમે છીએ અને હિંદુત્વનો વારસો અમે આગળ ધપાવ્યો છે. ગદ્દારીના ઉદ્ધવના આક્ષેપો ફગાવતાં તેમણે કહ્યું હતું કે શિવસેના પાસે ૫૦ ખોકે બોલવા સિવાય કોઈ મુદ્દો નથી.વાસ્તવમાં શિવસેના અગાઉ ભાજપ સાથે યુતિ બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત મેળવીને ચૂંટણી લડી હતી પરંતુ બાદમાં કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. વાસ્તવિક ગદ્દારી તો આ કહેવાય.તેમણે એવું પણ કહ્યું હતું કે ઉદ્ધવે સમજવું જોઇએ કે શિવસેના તમારી પ્રાઈવેટ લિમિટેડ કંપની નથી.

બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી જયદેવ ઠાકરે, સ્મિતા ઠાકરે તથા નિહાર ઠાકરે શિંદેની રેલીમાં હાજર રહ્યા હતા.બંને જૂથોની સમાંતર રેલીઓના કારણે અનેક રસ્તા બંધ કરાતાં તથા ડાયવર્ઝન અપાતાં અને માર્ગો પર તેમજ ટ્રેનોમાં ભીડથી મુંબઈગરા ભારે પરેશાન થયા હતા.

Share Now