વિધાનસભાની ચૂંટણીમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહી છે.ત્યારે રોજ નવા નવા આક્ષેપો ઉભા થઈ રહ્યા છે.આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા પીએમને લઈને અપશબ્દ બોલવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ કરવા બાબતે ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે, ભાજપ મને ટાર્ગેટ કરી રહી છે,પટેલ સમાજનો યુવાન હોવાથી આગળ વધતા અટકાવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર વિરોધી પાર્ટી છે.હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી તેમની સામે લડ્યો છું.આજે જ્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જુના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.હું ગરીબ મધ્યમ વર્ગનો પટેલ યુવાન હોવાને કારણે હું આગળ ન વધી જાવ તેના માટે મને રોકવામાં આવી રહ્યો છે.
ગોપાલ ઇટાલિયા પ્રકાર પરિષદમાં માત્ર એકને એક જ વાતનું રટણ કરતા રહ્યા હતા,પરંતુ વીડિયો બાબતે કોઈ યોગ્ય રીતે ખુલાસો કર્યો ન હતો.એકને એક જવાબ આપીને તેણે એક પણ પ્રશ્નોનો સીધો જવાબ આપ્યો ન હતો.મીડિયા સતત પ્રશ્ન પૂછતી રહી પરંતુ ગોપાલ ઇટાલિયા એકનો એક જવાબ રિપીટ કરતા રહ્યા.તેઓ અન્ય કોઈ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં જણાયા ન હતા.ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જુના જુના વીડિયો કાઢીને ટ્વીટર ઉપર સોશિયલ મીડિયામાં સતત ફેરવવામાં આવી રહ્યા છે.ભાજપ દ્વારા પટેલ યુવાનને ટાર્ગેટ કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પાટીદાર અગ્રણીઓએ આગળ આવીને તેના સમર્થનમાં વાત કરવી જોઈએ.પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી ગભરાયેલા છે.
વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગનું ગોપાલ ઇટાલિયાને સમન્સ
મનોજ સોરઠીયાએ કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે વાઇરલ થયેલા વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગ દ્વારા ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યો છે.કેન્દ્રીય મહિલા આયોગ દ્વારા 13 તારીખે તેમને હાજર થવા માટેનું કહેવામાં આવ્યું છે.અમે કોઈ જવાબ આપવાથી કે કોઈ તપાસ એજન્સી સામે હાજર થવાથી કોઈ ડર નથી.અમે તમામ તપાસ માટે તૈયાર છે.