ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝાટકો લાગ્યો છે.ગોધરા અને જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે.અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ-કાર્યકરો પક્ષ પલટો કરતા હતા, પણ હવે આમ આદમી પાર્ટીમાંથી કાર્યકરો અને હોદ્દેદારો નીકળી રહ્યાં છે.આજે 10 ઓક્ટોબરે પંચમહાલના ગોધરામાં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.નદીસર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે AAP માંથી ચૂંટણી લડેલા હેમંતકુમાર મદનસિંહ પુવાર ઉર્ફે રીંકુભાઈ સહીત 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ભાજપનો ખેસ પહેરાવી કાર્યકરોનું સ્વાગત કર્યું હતું.તો બીજી બાજુ દાવો કરવામાં આવી રહ્યો છે કે જામનગરમાં AAPના 15 ભૂતપૂર્વ પદાધિકારીઓ સહિત 200 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.અહેવાલો અનુસાર, આ તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રીતરિવાજો અને નીતિથી આકર્ષિત થઈને ભાજપ પાર્ટીમાં જોડાયા છે.ભૂતકાળમાં AAP એ પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને બીજેપી સિવાય હવે 200 થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.


