નવી દિલ્હી,તા. 11 ઓક્ટોબર 2022, મંગળવાર : એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પાર્ટીના ચિહ્ન માટે બીજી ઓફર કરી છે. શિંદે કેમ્પે ચૂંટણી પંચને ‘ચમકતો સૂર્ય’, ‘ઢાલ અને તલવાર’ અને ‘પીપળાનું વૃક્ષ’ તેના ચૂંટણી પ્રતીક વિકલ્પો તરીકે આપ્યા છે.આ અગાઉ શિંદે જૂથે ચૂંટણી પંચને ત્રિશુલ, ગદા અને ઉગતા સૂર્યના ત્રણ પ્રતીકો વિકલ્પ તરીકે સબમિટ કર્યા હતા,પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યા હતા. ગદા અને ત્રિશૂળના ધાર્મિક ચિન્હોને કારણે શિંદે જૂથને બંને ચૂંટણી ચિહ્નો મળ્યા નથી.તેમજ ઉગતો સૂરજ દ્રમુકના ચૂંટણીનું નિશાન હોવાને કારણે મળ્યો નહી.આ પછી, ચૂંટણી પંચે ફરીથી શિંદે જૂથને નવા વિકલ્પો આપવા કહ્યું હતુ.
મહારાષ્ટ્રમાં ગયા જૂન માસમાં થયેલાં શિવસેનાના ફાડિયાં બાદ ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ બંને અસલ શિવસેના હોવાનો દાવો કરતાં હતાં.હવે કેન્દ્રીય ચૂંટણી પંચે આ બંને જૂથને નવાં નામ તથા પ્રતીકની ફાળવણી કરી છે.ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને મશાલ ચિહ્ન સોંપી દીધું છે.આ પછી, ઉદ્ધવ ઠાકરે જૂથે નવા ચૂંટણી ચિન્હ અને નવા પક્ષના નામ સાથે એક પોસ્ટર બહાર પાડ્યું છે.
ઉદ્ધવ ઠાકરે ગૃપ તરફથી મશાલ,ત્રિશૂળ અને ઉગતો સૂર્ય એમ ત્રણ વિકલ્પ આપ્યા હતા.જોકે, ચૂંટણી પંચે આજે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે ત્રિશૂળ ધાર્મિક ચિહ્ન હોવાથી ચૂંટણી પ્રતીક તરીકે ફાળવી શકાય નહીં જ્યારે ઉગતો સૂર્ય પહેલેથી જ તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા ધરાવતા દ્રમુક પક્ષનુ ચિહ્ન છે.આથી તેનો ચૂંટણી પંચના મુક્ત પ્રતીકોની યાદીમાં સમાવેશ થતો નથી.આથી, ઉદ્ધવ જૂથને મશાલનું પ્રતીક ફાળવવામાં આવે છે એમ જણાવાયું હતું. ‘મશાલ’ ચૂંટણી ચિહ્ન 2004 સુધી મમતા પાર્ટી પાસે હતું.ત્યારપછી તે કોઈને ફાળવવામાં આવ્યું ન હતું, તેથી આ પ્રતીક ઉદ્ધવ જૂથને આપવામાં આવ્યું છે.
બંને જૂથોએ તેમના પ્રથમ વૈકલ્પિક નામ તરીકે શિવસેના (બાળાસાહેબ ઠાકરે) નામ આપ્યું હતું.જેના કારણે બંને જૂથને આ નામ મળ્યું નથી.આ સાથે ઉદ્ધવ જૂથના વિકલ્પમાં પાર્ટીના નામ તરીકે બીજો વિકલ્પ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) હતો. તે ઉદ્ધવ જૂથને ફાળવવામાં આવ્યું હતું.એ જ રીતે, શિંદે જૂથના વિકલ્પમાં, બાળાસાહેબચી શિવસેનાને બીજો વિકલ્પ તરીકે આપવામાં આવ્યો હતો.


