દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણા ખાતે એક વિશાળ જાહેરસભાનું સંબોધન કરવા માટે આવી પહોંચ્યા હતાં.દરમિયાન ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપનાં દિગગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.જોકે આ સભામાં પણ રૂપાણી અને પાટીલ વચ્ચેનો ગજગ્રાહ યથાવત જોવા મળ્યો હતો.જેમાં પ્રદેશ પ્રમુખ પાટીલ આવતા બધા નેતાઓ તેમને મળવા ઉભા થયા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પોતાની જગ્યાએ જ બેસી રહ્યા હતા.બીજી બાજુ પ્રદેશ પ્રમુખ પાટીલે પણ તેમને સામે ચાલીને મળવાની તસ્દી નહોતી લીધી.
જાણવા મળતી વિગત મુજબ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગજગ્રાહ ફરીવાર જાહેરમાં જોવા મળ્યો હતો.આજે જામકંડોરણા ખાતે સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સ્ટેજ પર પહોંચ્યા હતા.જેને લઈને સી.આર પાટીલને આવકારવા સ્ટેજ પર ઉપસ્થિત સાંસદ મોહનભાઈ કુંડારીયા,સાંસદ રામ મોકરીયા,સાંસદ વિનોદ ચાવડા,મંત્રી અરવિંદ રૈયાણી,ધારાસભ્ય સહિતના ઉભા થઈને તેમની પાસે પહોંચ્યા હતા પરંતુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકમાત્ર તેમની જગ્યા પર બેઠા રહ્યા હતા અને પાટીલને મળવા માટે ઊભા થયા ન હતા.તેમજ તેમની સામે નજર પણ મિલાવી ન હતી.
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં પાટીલે પણ જાણે તેમની કોઈ પરવા ન હોય તેમ સામે ચાલીને રૂપાણીને મળવાની તસ્દી લીધી નહોતી.આમ આ બંનેનો ગજગ્રાહ વડાપ્રધાન મોદીનાં આગમન પૂર્વે સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.જેને લઈને રાજકીય પંડિતોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.જેમાં કોઈ પાટીલ પ્રદેશ અધ્યક્ષ હોવાથી રૂપાણીએ સામે ચાલીને જવું જોઈએ તેવી સલાહ આપતા જોવા મળ્યા હતા.જ્યારે કેટલાક પાટીલે પૂર્વ મુખ્યમંત્રી હોવાને કારણે રૂપાણીને સામે ચાલીને મળવું જોઈએ.તેવી વાતો છાનેખૂણે કરતા જોવા મળ્યા હતા.જોકે સ્ટેજ પર બંનેએ એકબીજાને મળવાની કે સામું જોવાની તસ્દી નહીં લેતા ભાજપનો આંતરિક વિવાદ સપાટી ઉપર આવ્યો હતો.


