રાજકોટ ; આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આજે દિલ્હીથી રાજકોટ પહોંચ્યા હતા,જ્યાંથી તેઓ સીધા જ ખોડલધામ મા ખોડલનાં દર્શન કરવા માટે નીકળી ગયા છે.આ પહેલાં ગઈકાલે તેઓ મહિલા આયોગમાં હાજરી આપવા દિલ્હી ગયા હતા,તે દરમિયાન દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી જે બાદ સાંજે છોડી મૂકવામાં આવ્યા હતા.ત્યારે આજે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
રાજકોટ એરપોર્ટ પર ગોપાલ ઈટાલિયાને આવકારવા માટે આમઆદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.એરપોર્ટ ખાતે પાર્ટીના કાર્યકરોએ ‘ભારત માતા કી જય’, ‘ઇન્કલાબ જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા તેમજ ‘ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના પણ નારા લાગ્યા હતા.આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમઆદમી પાર્ટી મજબૂત થઈ રહી છે.તેમજ તેમને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર પણ નિશાન સાધ્યું હતું.
એક પાટીદાર યુવક આગળ આવ્યો તેની ભાજપને ઈર્ષા છે : ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યું છે.એક પાટીદાર યુવક કઈ રીતે આગળ આવ્યો તેની ભાજપને ઈર્ષા થઈ રહી છે.ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર વધુ પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના લોકો જુના વીડિયો વાયરલ કરી મત માંગવા નીકળ્યા છે. NCWમાં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીઓ ગોપાલ ઈટાલિયાના નામની માળા ફેરવે છે : ગોપાલ
મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાના નામની માળા કેન્દ્રીય મંત્રીઓ ફેરવી રહ્યા છે,મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ.તેમણે પણ કહ્યું કે આવું ન થવું જોઈએ.