– વેરાના લાઇસન્સ મેળવવા માટેની અરજી મંજૂર કરવા માંગી હતી લાંચ
– ફરિયાદી દ્વારા એસીબીની ટીમનો સંપર્ક કરાતા છટકું ગોઠવી પકડી પડાયો
– રૂ.27,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપ્યો
વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ એસીબીની ટીમની લાંચિયા અધિકારીઓ પર પકડ મજબૂત થતી જોવા મળી રહી છે.પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરતા વધુ એક લાંચિયો અધિકારી એસીબીના હાથ લાગ્યો છે. ગીરસોમનાથના વેરાવળ ખાતે તલાટી કમ મંત્રીની એસીબીની ટીમે રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, એક જાગૃત નાગરિક દ્વારા વેરાવળ ખાતે આવેલા ડાભોરમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સામે લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ કરનાર ફરિયાદીએ પોતાના વ્યવસાય વેરાના લાઇસન્સ મેળવવા માટે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.જે અંગે તલાટી કમ મંત્રી પરેશ નાથાભાઈ ચાવડાને મળતા અરજી મંજૂર કરી લાઈસન્સ આપવા પેટે લાંચની માંગણી કરવામાં આવી હતી.તલાટી કમ મંત્રી પરેશ ચાવડા દ્વારા રૂ. 1,00,000/-ની લાંચની માંગણી કરવામાં આવી હતી.લાંચની રકમ અંગે ફરિયાદી અને તલાટી કમ મંત્રી વચ્ચે રકઝક થતા રકઝકના અંતે રૂ.60,000/- આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં લાંચની રકમ પૈકીના રૂ.30,000/- પહેલા આપવાના અને બાકીની રકમ અરજી મંજૂર થયા પછી આપવાનું નક્કી કરાયું હતું.જો કે, લાંચની રકમ ફરિયાદી આપવા ન માંગતો હોવાથી આ અંગે એસીબીને જાણ કરવામાં આવી હતી.ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.જેથી ફરિયાદી દ્વારા નોંધાયેલી ફરિયાદને આધારે એસીબીની ટીમ દ્વારા તલાટી કમ મંત્રી પરેશ ચાવડાને રંગેહાથ ઝડપી પાડવા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ફરિયાદીને લાંચિયા મંત્રી સાથે વાતચીત કરી લાંચ સ્વીકારવા જણાવવામાં આવ્યું હતું.
એસીબીની ટીમના જણાવ્યા મુજબ ફરિયાદી દ્વારા મંત્રી પરેશ ચાવડા સાથે લાંચ સ્વીકારવા અંગે વાત કરી મધુવન પાન એન્ડ કોલ્ડ્રિંકસ,એસ્સાર પેટ્રોલ પંપની પાસે,વેરાવળ કોડીનાર હાઇ-વે પર મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જે બાદ એસીબીની ટીમ નક્કી કરાયેલા સ્થળ પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી.ફરિયાદી અને મંત્રી વચ્ચે થયેલી વાતચીત મુજબ ફરિયાદી અને મંત્રી પણ ઘટના સ્થળે પહોંચી જાય છે.જ્યાં બંન્ને વચ્ચે લાંચની રકમ અંગે હેતુલક્ષી વાતચીત થાય છે.બાદમાં પરેશ ચાવડા દ્વારા રૂ. 30,000/-ની લાંચની રકમ સ્વીકારે છે.જેમાંથી પરેશ ચાવડા ફરિયાદીને રૂ.3000/- પરત કરે છે.ત્યારબાદ ત્યાંથી જવાનું કરતા જ એસીબીની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવે છે.