વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ અને ફોર્મ ભરવાની તારીખ હવે નજીક આવી રહી છે પણ હજુ સુધી ભાજપ ઉમેદવારોની યાદી નક્કી નથી થઈ શકી.જોકે કોને ટીકિટ મળશે એ ભલે સ્પષ્ટ નહિ હોય,પરંતુ કોને નથી મળવાની એ લગભગ નક્કી મનાય છે.અંદરખાનેથી જાણવા મળ્યા પ્રમાણે ભાજપના કેટલાંક દિગ્ગજો આ વખતે વિવિધ ક્રાઈટેરિયા હેઠળ કપાવાના છે.એ પૈકી કેટલાંક વયમર્યાદાના કારણે ફરજિયાત નિવૃત્ત થઈ જશે.કેટલાંકને એકધારાપણું ટાળવા આ વખતે બાકાત રખાશે તો કેટલાંકને નિષ્ક્રિયતા કે ભ્રષ્ટાચારના આક્ષેપોની ગંભીરતા પણ નડી શકે છે.વિભાવરી દવે,આર સી ફળદુ,ભુપેન્દ્રસિંહ ચુડાસમા,રાજેન્દ્ર ત્રિવેદી,સૌરભ પટેલ વગેરે આ યાદીમાં મુખ્ય હોવાનું મનાય છે.
નિષ્ક્રિયતા અને જનસંપર્કનો અભાવ
સૌરભ પટેલ : ભાજપના ટોચના નેતા અને એક તબક્કે થિન્ક ટેન્ક મનાતા સૌરભભાઈ સામે તેમના મતવિસ્તાર બોટાદમાં ભારે વિરોધ છે.નિષ્ક્રિયતા અને જનસંપર્કનો અભાવ એ માટેનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે.વળી તેઓ બહારના હોવાથી હવે સ્થાનિક અને યુવાન નેતૃત્વને તક આપવાની માંગ બુલંદ બની છે.
એકધારા એક જ ઉમેદવાર જીતતા રહેતા નવી કેડર ન ઉભી થઈ
યોગેશ પટેલ : સંસદીય સચિવ રહી ચૂકેલા વડોદરાના વરિષ્ઠ નેતા યોગેશ પટેલને ઉંમર ઉપરાંત સતત સાત વખત જીતવાના કારણે આ વખતે ટીકિટ ન મળે એવી શક્યતા પ્રબળ છે.તેમની સક્રિયતા વિશે કોઈ લેશમાત્ર અવાજ ઊઠાવી શકે તેમ નથી પરંતુ એક બેઠક પરથી એકધારા એક જ ઉમેદવાર જીતતા રહે તો પક્ષમાં નવી કેડર ઊભી જ ન થઈ શકે એ દલીલ હેઠળ યોગેશ પટેલની બાદબાકી નિશ્ચિત મનાય છે.
વિભાવરીબહેન સામેના આક્ષેપો પણ ગંભીર
વિભાવરી દવે : ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબહેન સામેના આક્ષેપો પણ ગંભીર છે અને સ્થાનિક સ્તરે તેમની સામેનો વિરોધ પણ બહુ બોલકો છે.ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના જમીન કૌભાંડમાં પડદા પાછળથી કોનો દોરીસંચાર હતો તે બાબત પણ સ્થાનિક સ્તરે ચર્ચાતો મુદ્દો બની છે.તે કિસ્સામાં પ્રદેશ ભાજપા એ વિભાવરીબેન જૂથના મનાતા બે કોર્પોરેટરના સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામા લઈ લીધા હતા.સરકારી નિયમોનો ભંગ કરીને સરકારી શાળાની સામે જ તેમના દીકરાની ખાનગી શાળા હોવા અંગે સ્થાનિક ચર્ચાએ જોર પકડ્યા પછી તેમણે ભીનું સંકેલવા પ્રયત્નો કર્યા હોવાનું કહેવાય છે.પોતાનું પત્તું કપાશે એવી ગણતરી સાથે તેમણે નિરીક્ષકો સમક્ષ પોતાના માનીતાઓની પેનલ મંજૂર કરાવવા તમામ તાકાત કામે લગાડી હોવાની ચર્ચા છે.
કારણ આપ્યા વગર તેમનું કેબિનેટ મંત્રીપદ છીનવાઈ ગયું
રાજેન્દ્ર ત્રિવેદી : વડોદરાના રાવપુરાના ધારાસભ્ય વિજય રૂપાણીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા.ત્યારબાદ તેમને વિધાનસભાનું અધ્યક્ષપદ સોંપાયું અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં બઢતી આપીને કેબિનેટ મંત્રી બનાવી દેવાયા.મહેસુલ મંત્રાલય જેવું સરકારનું સૌથી મહત્વનું મંત્રાલય તેમને મળ્યું હતું.એ પછી માતરની જમીનનો વિવાદ કારણભૂત હોય કે વડોદરા નજીક ભાયલીની જમીનના વેચાણની કહેવાતી ગેરરીતિ જવાબદાર હોય,અચાનક કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર તેમનું કેબિનેટ મંત્રીપદ છીનવાઈ ગયું એ પછી હવે તેમને ટીકિટ પણ ન મળે એવી ચર્ચા વ્યાપક છે.
રીઢા ખેલાડી તરીકે ભુપેન્દ્રસિંહ બીજી બેઠક પર પ્રોક્સી ઉમેદવાર
ભુપેન્દ્રસિંહ ચુડાસમા : ભાજપના આ વરિષ્ઠ નેતા વયમર્યાદાના કારણે પણ નિવૃત્ત થઈ શકે છે અને ગત ચૂંટણીના પરિણામનો તેમની સામે થયેલ કેસ પણ તેમને નડતરરૂપ બની શકે તેમ છે.મત ગણતરીમાં ગેરરીતિનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે પરંતુ હાઈકોર્ટમાં તેઓ હારી ચૂક્યા છે.આથી પક્ષ તેમને હવે ચૂંટણીમાં ઉતારવાનું ટાળે એવી પૂરી શક્યતા છે.જોકે રીઢા ખેલાડી તરીકે ભુપેન્દ્રસિંહ બીજી બેઠક પર પ્રોક્સી ઉમેદવાર ઉતારીને પાવર સેન્ટર જાળવી રાખવા પ્રયત્નશીલ હોવાનું મનાય છે.
આહિર નેતા સામે સ્થાનિક સ્તરે ગંભીર આક્ષેપો થયેલા
વાસણ આહિર : કચ્છના આ મોટા ગજાના આહિર નેતા સામે સ્થાનિક સ્તરે ગંભીર આક્ષેપો થયેલા છે.વળી કહેવાતી ઓડિયો ક્લિપમાં તેમની સંડોવણીની ચર્ચા પણ જે તે સમયે ગુજરાતભરમાં વ્યાપક બની હતી.આ દરેક બાબતો વાસણભાઈની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકે તેમ બની શકે.
એકધારા વિજયના કારણે પક્ષમાં બીજા ક્રમનું નેતૃત્વ ઊભું થયું નથી
રમણ પાટકર : ઉમરગામના આ વરિષ્ઠ નેતાનો તેમના મત વિસ્તારમાં દબદબો છે પરંતુ એકધારા વિજયના કારણે પક્ષમાં બીજા ક્રમનું નેતૃત્વ ઊભું થયું નથી.વળી વયમર્યાદાનો મુદ્દો પણ છે.પાટકરે પોતાના બદલે પુત્રવધુનું નામ આગળ કર્યું છે પરંતુ સાંસદો, ધારાસભ્યોના સંતાનો,સગાંઓને બાકાત રાખવાનો માપદંડ પણ પાટેકરની મહેચ્છા પૂરી ન થવા દે તેમ બની શકે.


