અમદાવાદમાં એક એવો બનાવ બન્યો છે જે સાંભળીને તમે બે ઘડી વિચાર કરતા રહી જશો.બોપલમાં રહેતી પરિણીતા પતિ સાથે ઝઘડા થવાના કારણે અલગ રહે છે.પરિણીતા તેના એક મિત્ર સાથે પ્રહલાદનગર ગાર્ડન પાસે હોટલમાં જમવા માટે ગઈ હતી.તે સમય એક યુવક આ પરિણીતાના ફોટા પાડી રહ્યો હતો, અચાનક ફોટો ખેંચી રહેલા યુવક પર પરિણીતાની નજર પડી.પરિણીતાએ યુવકના હાથમાં મોબાઈલ ખેંચીને જોયું તો મોબાઈલમાં તેના ફોટા અને વીડિયો હતા.પરિણીતાએ કડકાઈથી યુવકની પૂછપરછ કરતા એક ચોંકાવનારો ખુલાસો થયો.જી હાં, ફોટા પાડનાર યુવક જાસૂસ હતો.અને પરિણીતાની જાસૂસી કરવા માટે આ જાસૂસને અન્ય કોઈએ નહીં પણ તેના જ પતિએ મોકલ્યો હતો.જાસૂસ પરિણીતાના ફોટા-વીડિયો ઉતારીને તેના પતિને મોકલતો હતો.પતિએ મોકલેલો આ જાસૂસ તેના ફોટા-વીડિયો ઉતારી રહ્યો હોવાની જાણ પરિણીતાને થતાં તેણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.તેના આધારે પોલીસે ફોટા પાડનાર યુવકની ધરપકડ કરી છે.
રૂપિયા આપીને પતિ કરાવતો પત્નીની જાસૂસી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પતિ 2 હજાર રૂપિયા જાસૂસને આપી પત્નીની જાસૂસી કરાવતો હતો.જેથી, જાસૂસ પરિણીતા જ્યાં જતી ત્યાં તેનો છુપી રીતે પીછો કરતો હતો અને તેના ફોટા-વીડિયો ઉતારી પરિણીતાના પતિને મોકલતો હતો.