રશિયામાં પણ એક ડોક્ટરમાં કોરોના વાયરસ પોઝિટીવ મળી આવ્યો છે. મહત્વનું છે કે આ એ જ ડૉક્ટર છે, જેમની સાથે ગત સપ્તાહે જ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મોસ્કોની એક હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
જેથી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સુધી પણ કોરોના સંક્રમણનો ખતરો પહોંચી ગયો છે. એવું જાણવા મળ્યું છે કે એક એવા ડૉક્ટર કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે જેમણે થોડા દિવસ પહેલા પુતિન સાથે મુલાકાત કરી હતી ઉપરાંત તેમની સાથે હાથ પણ મિલાવ્યા હતા.
આ ડૉક્ટર બીજું કોઈ નહીં પરંતુ મોસ્કોની કોરોના વાયરસ હૉસ્પિટલના ચીફ છે અને પતિને ગત સપ્તાહે જ આ હૉસ્પિટલની મુલાકાત કરી હતી.
રાષ્ટ્રપ્રમુખની તબિયત સારી : ક્રેમલિન
ક્રેમલિને એક નિવેદન જાહેર કરીને રાષ્ટ્રપ્રમુખ પુતિનની તબિયત વિશે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, કોઈ પ્રકારની ચિંતાની વાત નથી. રાષ્ટ્રપ્રમુખની તબિયત સારી છે. ક્રેમલિનના પ્રવક્તા દેમિત્રી પેસ્કોવે રશિયાના સમાચાર સંગઠનોને જણાવ્યું હતું કે, પુતિન નિયમિત રીતે તપાસમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતાની વાત નથી. પેસ્કોવે કહ્યું કે, અત્યાર સુધી રશિયામાં કોરોના વાયરસથી કુલ 2337 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 17 લોકોનાં મોત થયા છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ડૉક્ટર ડેનિસ પ્રોત્સેનકોએ પુતિન સાથે તેમની હૉસ્પિટલના નિરીક્ષણ દરમિયાન મુલાકાત કરી હતી. જોકે, આ દરમિયાન ડૉક્ટરે રક્ષાત્મક સૂટ પહેરેલો હતો. પરંતુ બાદમાં ડૉક્ટર અને પુતિન કોઈ સુરક્ષાની તકેદારી રાખ્યા વગર વાત કરતાં અને હાથ મેળવતા જોવા મળ્યા હતા.