– નબળી નેતાગીરીને કારણે ખુદ PM મોદીને કમાન સંભાળવી પડી
– 182માંથી 182 ત્યારબાદ 150 બેઠકો જીતવાના મોટા દાવાઓ કરનારા નેતાઓ કયાં
ગાંધીનગર, તા.24 નવેમ્બર-2022, ગુરુવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ગુજરાતની પ્રદેશ નેતાગીરી તદન નિષ્ફળ ગઈ છે.જેને કારણે વડાપ્રધાન મોદીને ચૂંટણી પ્રચાર સહિતની જવાબદારીની કમાન સંભાળવી પડી છે.થોડો સમય પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ જાહેરમાં કહેતા હતા કે ભાજપની ભવ્ય જીત થશે.ભાજપને 182માથી 182 બેઠકો અને થોડો સમય પછી 182માંથી 150 બેઠકો જીતવાના મોટા દાવાઓ પણ કર્યા હતા.પણ હવે આ બેમાંથી કોઈ નેતા આવુ બોલતા નથી.ભાજપના આગેવાનો અને કાર્યકરો ચર્ચા કરી રહ્યાં છે કે, આ બન્ને નેતાઓ કયાંક લાપતા બની ગયા છે. જાહેર સભા સિવાય તેઓ દર્શન દેતા નથી.
ચૂંટણી પ્રચારથી માંડીને ચૂંટણી જીતાડવાની જવાબદારી મુખ્યમંત્રી અને પ્રમુખની હોય છે.
ભાજપના સિનિયર નેતાઓ કહે છે કે, ખરેખર તો ચૂંટણી પ્રચારથી માંડીને ચૂંટણી જીતાડવાની જવાબદારી મુખ્યમંત્રી અને પ્રમુખની હોય છે.પણ બન્ને નેતાઓ તે સ્વીકારવા માગતા નથી.મતદાનના દિવસો નજીક આવી રહ્યાં હોવા છત્તા તેઓ આગેવાનો કે કાર્યકરો સાથે કોઈ ચર્ચા વિચારણા કરતા નથી કે તેમને કોઈ જાતનુ માર્ગદર્શન આપતા નથી.
મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ કે સ્થાનિક નેતાઓને જોઈને નહી પણ મને જોઈને મત આપજો : મોદી
વડાપ્રધાન મોદીએ સોમનાથથી પ્રથમ જાહેર સભામાં જ નબળી નેતાગીરીને સંકેત આપ્યો હતો.તેઓએ કહ્યુ કે આ વખતે તમારે સેન્ચુરી મારવાની છે.એટલે કે આવી નબળી નેતાગીરી જો 100 બેઠકો પણ જીતી શકે તો સારુ ગણાશે એવો અર્થ કાઢી શકાય.ઉપરાંત વડાપ્રધાન પોતાની તમામ સભાઓના અંતે લોકોને મેસેજ આપે છે કે તમે લોકો ઘરે જઈને મારી યાદ આપજો.રાજકીય પંડીતો આ સંદર્ભમાં કહે છે કે, વડાપ્રધાનના આ મેસેજનો અર્થ એવો કાઢી શકાય કે મતદારોએ મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ સહિતના કોઈ સ્થાનિક નેતાઓને જોઈને નહી પણ માત્ર મોદીને જોઈને જ મત આપવાનો છે.


