– અનિરુદ્ધ સિંહએ જયરાજ સિંહનું નામ લઈને આકરા પ્રહારો કર્યા હતા
– અનિરૂદ્ધસિંહ કોંગ્રેસ ઉમેદવારને આપશે સમર્થન
પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે.ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જયરાજસિંહે ભુણાવા ગામમાં ચૂંટણી સભામાં ખુલ્લે આમ ધમકી આપી હતી.જવાબમાં રીબડાના અનિરૂદ્વસિંહે પણ કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહ્યું હતું.સાથે જ આજે એક પત્રકાર પરિષદ યોજી જયરાજ સિંહનું નામ લઈને આકરા પ્રહારો કર્યા હતા.અને તેઓ દલિત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.બંને દિગ્ગજો વચ્ચેનો વિવાદ વધતા આ ચૂંટણીમાં મોટી નવા જુનીના એંધાણને પગલે ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવા માટે સુચના આપી છે.
પત્રકાર પરિષદમાં અનિરુદ્ધસિંહે જણાવ્યું હતું કે, હાલ ગોંડલ બેઠક પર જયરાજસિંહનાં પરિવારને ભાજપની ટીકીટ મળી છે.જ્યાં જયરાજસિંહનો ભારે આતંક હોવાથી હું પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની માફી માંગી કોંગ્રેસને સમર્થન જાહેર કરું છું. જોકે હું કોંગ્રેસમાં નથી પણ ગોંડલ પૂરતું કોંગ્રેસને મારૂ સમર્થન છે.જયરાજસિંહ પોતે જુગારની ક્લબો ચલાવતા હતા અને પોલીસ પણ હપ્તા લેવા જતી હતી.ત્યારે 8 તારીખે જયરાજસિંહની તાનાશાહીનો અંત આવશે.અગાઉ સહદેવ સિંહ જાડેજાને જયરાજસિંહ તેમજ તેના છોકરાએ ધમકી આપી હતી.યુપી અને બિહાર જેવી દાદાગીરી જયરાજસિંહ અને તેનો પુત્ર કરી રહ્યા છે.ત્યારે ગોંડલની પ્રજાને મારે કહેવું છે કે, મે ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી.અમે કોઇને છરી બતાવીને મત લીધો નથી.ત્યારે ગોંડલનાં લોકો કોંગ્રેસને મત આપી આ લોકોને હરાવે તેવી મારી વિનંતી છે.
જાણો શુ હતો સમગ્ર મામલો
જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ધારાસભ્ય અને ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા વતી ભુણાવા ગામમાં ચૂંટણી સભા દરમિયાન જયરાજસિંહે તેમની સામે ટિકિટ માંગનારને જાહેરમાં ધમકી આપતા કહ્યું હતું કે ગોંડલની બેઠક જયરાજસિંહની જ રહેશે. જે વિડીયો વાયરલ થતા પોલીસ એલર્ટ મોડ પર હતી.ત્યારે સોમવારે રીબડાના અનિરૂદ્વસિંહે પણ જયરાજ સિંહને જવાબ આપતા મતદારોને કોંગ્રેસને મત આપી જયરાજ સિંહના શાસનને ખતમ કરવાનું કહ્યું હતું.જે બંને વિડીયો વાયરલ થતા ચૂંટણીપંચે પોલીસને ગોંડલ ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલમાં સૌથી મોટા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સુચના આપી હતી.
ચૂંટણી પંચની સૂચનાને પગલે ગોંડલ વિધાનસભામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.જે અંગે રાજકોટ રેંજ આઇજી અશોક યાદવે જણાવ્યું કે ગોંડલની બેઠક સૌરાષ્ટ્રમાં સંવેદનશીલ હોવાથી ગોંડલમાં રાજકોટ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાંચ,સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ અને સિનિયર આઇપીએસ તેમજ ડીવાયએસપી સ્તરના અધિકારીઓના કેમ્પ જ ગોંડલમાં મુકવાની સુચના રાજકોટના જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે.ખાસ કરીને રીબડા અને ગોંડલ જુથ વચ્ચેના સંવેદનશીલ ગામોમાં લશ્કરી અને અર્ધ લશ્કરી દળો પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.આ સાથે તમામ ગામોમાં વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે.મતદાન ઉપરાંત પરિણામ આવ્યા સુધી ગોંડલ વિધાનસભા પર પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેશે.
આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ અનિરૂદ્વસિંહ જુથ દ્વારા ગોંડલ વિધાનસભાનાં ગામોમાં જયરાજસિંહની લીડ તુટે તે માટે કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કરાયો છે.જેથી 15 થી 20 ગામોના મત તુટે તો ગીતાબાને મોટું નુકશાન થઇ શકે તેમ છે.તેવી સ્થિતિમાં બંને જુથ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.અગાઉ પણ પોલીસે ભાજપના સિનિયર નેતાઓની દરમિયાનગીરી દ્વારા જયરાજસિંહ અને અનિરૂદ્વસિંહને સમજાવવા પ્રયાસ કર્યા હતા.પરંતુ આ પ્રયાસમાં નિષ્ફળતા મળતા ચુસ્ત બંદોબસ્ત મુકવાની ફરજ પડી છે.


