આફતાબને લઈ જતી પોલીસ વૅન પર તલવારથી હુમલાની કોશિશ

109

– હુમલાખોરોએ તેની વિરુદ્ધ નારાબાજી કરી અને ગાળો ભાંડી

દિલ્હી પોલીસ ગઈ કાલે રોહિણીની હૉસ્પિટલમાં આફતાબને પૉલિગ્રાફ ટેસ્ટ કરાવીને પાછો લાવી રહી હતી ત્યારે પોલીસની વૅન પર ચારથી પાંચ વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો હતો.જોકે આફતાબ વૅનની અંદર સુર​િક્ષત હતો,પણ હુમલાખોરોએ તેની વિરુદ્ધમાં નારાબાજી કરી હતી અને તેને ગાળો ભાંડી હતી.આ હુમલાખોરોએ તેઓ હિન્દુ સેનાના સભ્યો હોવાનો દાવો કર્યો હતો.આ હુમલો થતાં જ વૅનમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર બહાર આવી ગયા હતા અને તેમણે ગન કાઢીને એ હુમલાખોરોને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. મલાખોરોએ કરેલા આ કૃત્ય વખતે ત્યાં મીડિયાના પ્રતિનિધિ હાજર હોવાથી તેમની એ હરકતો તેમના કૅમેરામાં પણ ઝડપાઈ ગઈ હતી.

દરમ્યાન શ્રદ્ધા વાલકર હત્યાકાંડની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે.શ્રદ્ધાની ગળું ઘોંટીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ૩૫ ટુકડા કર્યાનો તેના બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા પર આરોપ છે.દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે હવે જે હથિયારથી ટુકડા કરાયા હતા એ હથિયાર હસ્તગત કર્યું છે.આ ઉપરાંત આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ બીજી યુવતી સાથે ડેટિંગ ઍપ પર ઓળખાણ કરી તેને ઘરે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે.એ વખતે તેણે એ યુવતીને શ્રદ્ધાની વીંટી ગિફ્ટમાં આપી હતી હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું છે.

નાશિકમાં પણ આફતાબને ફાંસી આપવાની માગ સાથે મોરચો

નાશિકમાં ગઈ કાલે મોટી સંખ્યામાં લોકોએ ‘વિરાટ હિન્દુ મૂક મોરચા’માં ભાગ લીધો હતો.તેમણે શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબને ફાંસીની માગ કરી હતી.નાશિકના અનેક વિસ્તારોમાં કૂચ કરનાર આ મોરચામાં ધર્માંતર અને લવ-જેહાદ પર અંકુશ સાથે જ ગૌહત્યા અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરનાર સામે પણ કડક પગલાં લેવાની માગ કરી હતી.

Share Now